પાણી પુરવઠા રાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વરીયાવ સુધારણા જુથ પાણી પુરવઠા યોજના ફેઝ-૧ હેઠળ થઈ રહેલી કામગીરીની સમીક્ષા બેઠક સરકીટ હાઉસ ખાતે મળી હતી. બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રૂા.૫૮ કરોડના ખર્ચે તાપી આધારીત વરીયાવ સુધારણા જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ચોર્યાસી તાલુકાના ૧૫ અને ઓલપાડ તાલુકાના ૧૯ મળી કુલ ૩૪ ગામોને પાણી પુરવઠો પુરો પાડવા માટેની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોને પાણી પુરવઠો પુરો પાડવા માટે રાજય સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવીને પાઈપલાઈનના કામગીરીમાં અડચણરૂપ થતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને કામગીરી આગળ ધપાવવા જણાવ્યું હતું.
ઝડપથી વધી રહેલી વસ્તીને ધ્યાને લઈને હાલમાં આ ગામોમાં અંદાજીત કેટલી વસ્તી છે તેનો સર્વે કરીને તત્કાલ માહિતી આપવા સરપંચોને અનુરોધ કર્યો હતો. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા ભાઠા, ઈચ્છાપોર, ભાટપોર, તલંગપોર ગામોને અગાઉ આ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. આ ગામોને પાણી પુરવઠો પુરો પાડવા માટેની કાર્ય હાલ પાલિકાકક્ષાએ થઈ રહ્યું છે જેથી આ યોજના હેઠળ અન્ય ડંભારી, તુંડી, છીણી અને ધનશેર ગામોને વરીયાવ જુથ યોજનામાં સમાવિષ્ટ કરવા મંત્રીએ જણાવ્યું હતું. આ અવસરે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, મંત્રી મુકેશભાઈ પટેલના સક્રિય પ્રયાસોથી દરિયાકાંઠાના ગામોને પુરતો પાણીનો જથ્થો મળી રહે તે માટે આગામી ૨૫ વર્ષની વસ્તીને ધ્યાને લઈને કરોડોની યોજનાનું કામ પુરજોશમાં ચાલુ છે.
ઓ.એન.જી.સી.થી હજીરા હાઈવે સુધી સ્ટ્રીટલાઇટ નાખવાના કામને પણ મંજુરી મળી ચુકી હોવાનું તેમણે કહ્યું હતું. પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું હતું કે, હાલમાં યોજના હેઠળ ટાંકીઓ, પાઈપલાઈન, ભુર્ગભ સંપ સહિતની ૭૦ ટકા કામગીરી પુર્ણ થઈ ચુકી છે. જે આગામી જુલાઈ-ઓગષ્ટ સુધીમાં પુર્ણ થશે. નોંધનીય છે કે, ચોર્યાસી તાલુકાના કવાસ, લિમલા, દામકા, વાંસવા, ભટલાઈ, રાજગરી, મોરા, સુંવાલી, જુનાગામ, હજીરા, માલગામા તથા ઓલપાડ તાલુકાના બરબોદન, સિથાણા, સેગવા છમા, કુકની, અરિયાના, અંભેટા, દાંડી, એડમોર, લવાછા, ભાંડુત, સેલુટ, વેલુક, કશલાખુર્દ, કશલા બુજરંગ, સારોલ નરથાણ, દિહેન, પિંજરત અને તેના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.




