Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત શિવાની ગોયલ માત્ર ૨૩ વર્ષની નાની ઉંમરે બન્યા IAS : દ્વિતીય પ્રયત્ને UPSCની પરીક્ષામાં મેળવ્યો ઓલ ઈન્ડિયા રેન્ક ૧૫

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

‘नार्यस्तु राष्ट्रस्य श्वः’ એટલે કે, ‘નારી રાષ્ટ્રનું ભાવિ છે’.. આ કહેવતને યથાર્થ સાબિત કરતી દરેક યુગની મહિલાઓના સન્માનમાં વિશ્વભરમાં ઉજવાતો દિવસ એટલે તા.૮ માર્ચ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’.ઈતિહાસથી આજદિન સુધી સતત બદલાતા સમય સાથે લગોલગ તાલ મિલાવી અવારનવાર સ્ત્રીઓએ પોતાની આવડત અને ક્ષમતાને પુરવાર કરી છે. અને કરી રહી છે. જેનું જીવંત દ્રષ્ટાંત છે, સુરતના નવનિયુક્ત ૨૮ વર્ષીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ. માત્ર ૨૩ વર્ષની નાની ઉંમરે UPSC(યુનિયન સર્વિસ પબ્લિક કમિશન)ની પરીક્ષામાં સફળ થઈ IAS બનવા સુધીની સફરને વર્ણવતા ડી.ડી.ઓશ્રીએ કહ્યું કે, નિશ્ચિત લક્ષ્ય, એકાગ્રતા, શિસ્ત અને કઠોર પરિશ્રમ સાથે કોઈ પણ ધ્યેય પરિપૂર્ણ કરવું અશક્ય નથી.

દિલ્હીમાં જન્મ, ઉછેર અને ભણતર થયું હોવાનું જણાવી તેમણે કહ્યું કે, ધો.૧૨ પછી B. COM કરતી વખતે મને ઘણાં અલગ અલગ ક્ષેત્રમાં ઇન્ટર્નશીપ કરવાની તક મળી હતી. આ સમયગાળા દરમિયાન મને સમજાયું કે, હું લોકો અને સમાજના હિતમાં હોય તેવું કામ કરવા ઈચ્છું છું. ત્યારે જ મેં વહિવટી સેવામાં જોડાવાનો નિર્ણય લીધો. અને કોલેજ પૂરી કરતાં જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી. શરૂઆતથી જ માતા-પિતા તરફથી મળેલો સાથ-સહકાર મારા માટે પ્રેરણારૂપ હતો. એટલે ધ્યેય નક્કી કરતા જ નિયમિત ૧૦-૧૫ કલાકનું વાંચન, હકારાત્મક અભિગમ, યોગ્ય સ્ટ્રેટજી અને નિયત રીડિંગ ટાર્ગેટ સાથે શિસ્તબદ્ધ તૈયારી શરૂ કરી દીધી. જે UPSC જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જરૂરી છે. આટલી મહેનત છતાંય હું પ્રથમ પ્રયત્નમાં નિષ્ફળ થઈ હતી.

નિષ્ફળતાને સફળતામાં પરિવર્તિત કરવાના મંત્ર અંગે પૂછતા તેમણે કહ્યું ‘God helps them, who help them selves’, એટલે કે ભગવાન પણ એને મદદ કરે છે જે પોતાને મદદ કરે છે. નિષ્ફળતાથી નિરાશા થવી એ સ્વાભાવિક છે. પરંતુ નિરાશાને વળગી રહેવાને બદલે ધ્યેયપ્રાપ્તિ માટે નિરંતર પ્રયાસ આવશ્યક છે. કઠોર પરિશ્રમથી જ શ્રેષ્ઠ પરિણામ મળે છે. એ જ રીતે મેં પણ આગળની ભૂલોનું પુનરાવર્તન ન થાય એ ધ્યાને રાખી નિયત પુસ્તકો, મહત્તમ રિવિઝન અને તણાવમુક્ત અભિગમ સાથે તૈયારી કરી. જેમાં બીજા પ્રયત્ને ઓલ ઈન્ડિયા રેન્ક ૧૫ સાથે હું પરીક્ષા પાસ કરવામાં સફળ થઈ હતી. તેમણે કહ્યું કે, બોર્ડ કે અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બાળકોએ ચિંતામુક્ત થઈ, સમયનો સંપૂર્ણ સદુપયોગ કરી હકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ.

સાથે જ સોશિયલ મીડિયાથી દૂરી બનાવી પોતાના લક્ષ્ય સિધ્ધી માટે સતત પ્રયત્ન કરવાની અપીલ કરી હતી. સ્ત્રી તરીકે વ્યાવસાયિક જીવનમાં આવતા પડકારો વિષે વાત કરતા તેમણે કહ્યું કે, તક અને પડકાર એક સિક્કાની બે બાજુ છે. પડકાર વિના તકનું મૂલ્ય સમજાવું અઘરું છે. એટલે જ હું પડકારોથી ગભરાયા વિના મળેલી તક માટે આશાસ્પદ અભિગમ રાખી શ્રેષ્ઠ કામ કરવામાં વિશ્વાસ રાખું છું. આજની સ્ત્રીઓ નવી અને બદલાતી માનસિકતા સાથે આવનારી પેઢી માટે આદર્શ સમાજનું નિર્માણ કરવા સક્ષમ છે એમ તેમણે ઉમેર્યું હતું. પોતાના જેવી અન્ય સ્ત્રીઓને પ્રેરણા આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સમય સાથે બદલાઈ રહેલા સમાજનો ઉલ્લેખ કરી કહ્યું કે, આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ વધી રહી છે.

સમાજમાં બદલાતી સ્ત્રીઓની છબી અને તેઓને મળતી નવીન તક માટે પુરુષોનું યોગદાન પણ મહત્વનું છે. નવી વિચારધારા સાથે પુરુષો સ્ત્રીઓને સમોવડી થવાની તક પૂરી પાડી રહ્યા છે. સાથે જ આજના તણાવયુક્ત જીવનમાં અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવા અંગે તેમણે કહ્યું કે, ઘરે અને બહાર બંને જગ્યાએ ઉત્તમ પરિણામ આપવા સ્ત્રીઓએ માનસિક અને શારીરિક સ્વસ્થતા જાળવવી ખૂબ અગત્યની છે. આ અંગે પોતે ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં ડિગ્રી ધારક હોવાનું જણાવી પોતે તાણમુક્ત રહેવા નવરાશના સમયમાં વાંચન અને નૃત્ય જેવા શોખ માટે સમય ફાળવતા હોવાનું જણાવ્યુ હતું. સાથે જ તેઓ નિયમિત મેડિટેશન કરે છે તેમજ પરિવાર સાથે સમય પણ વિતાવે છે. આમ, શિક્ષિત અને સશક્ત સમાજના ઘડતરમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી યુવા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ અન્ય હજારો મહિલાઓ માટે પ્રેરણરૂપ છે.