મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં કિકાકુઈ ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલીયા નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન અડફેટે આવતાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, ઉકાઈ પાથરડા કોલોની ખાતે રહેતો દર્પણ ગુણવંતભાઈ જોષી (ઉ.વ.33) નાંઓ મંગળવારનાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/10/BK/6438ને લઈ વ્યારા જતાં હતા.
તે દરમિયાન સોનગઢનાં કિકાકુઈ ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલીયા નેશનલ હાઈવે નંબર-53 સોનગઢથી વ્યારા જતાં રોડ ઉપર કિકાકુઈ પાટીયા પાસે એક અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી દર્પણની બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં દર્પણભાઈને શરીરે ઓછી વત્તી ઈજા પહોંચી હતી તેમજ માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ધવલભાઈ પટેલ (રહે.ભાટપુર ગામ, વ્યારા)નાંએ સોનગઢ પોલીસ મથકે બુધવારનાં રોજ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




