ગાંધીનગર શહેર નજીક આવેલ અડાલજના બાલાજી ઉપવનમાં રહેતા વેપારી સાથે મિત્ર દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. વેપારીની જાણ બહાર મકાન ઉપર બેંકમાંથી લોન લઈને આ છેતરપિંડી કરવામાં આવતા બેંકના કર્મચારી સહિત ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના આધારે અડાલજ પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, અડાલજના બાલાજી ઉપવન ખાતે રહેતા મૂળ સુરતના જીતેશકુમાર કાંતિલાલ શાહ સરકારી કોન્ટ્રાક્ટરનું કામ કરે છે.
તેમણે ફરિયાદ આપી હતી કે, અમદાવાદ રખિયાલ ખાતે રહેતા દેવાંગ નાથુરામ વિસાણી દેવ એન્ટરપ્રાઇઝ નામે વ્યવસાય કરે છે અને તેમની સાથે ઓળખાણ થઈ હતી તેમની સાથે આવતા નીરજ સુરેશકુમાર વિસાણી રહે શરણમ રેસીડેન્સી નિકોલ નરોડા સાથે પરિચય થયો હતો. આ દરમિયાન વર્ષ 2018માં જીતેશ કુમારે બાલાજી ઉપવનમાં નવ નંબરનો બંગલો 2.11 કરોડમાં વેચાણ રાખ્યો હતો અને તેનો દસ્તાવેજ અલ્હાબાદ બેંકમાં હતો.
આ દરમિયાન તેઓ સુરત ખાતે હોવાથી દેવાંગ વિસાણી દ્વારા આ દસ્તાવેજ મેળવીને તેમજ જીતેશ કુમારના અન્ય ડોક્યુમેન્ટ મેળવી લઈ મીઠાખળી અમદાવાદ ખાતે આવેલી જના સ્મોલ બેંકમાંથી ૨.૨૫ કરોડ રૂપિયાની લોન મેળવી લેવામાં આવી હતી. ભાગીદારી પેઢી બનાવીને આ લોન લેવામાં આવી હતી જેમાં જીતેશકુમારને પણ તેમની જાણ બહાર ભાગીદાર બનાવ્યા હતા. જેમાં નીરજ વિસાણીની પણ સંડોવણી હતી ગત જાન્યુઆરી મહિનામાં બેંક તરફથી આ લોન સંદર્ભે નોટિસ મળતા આ સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટયો હતો. જેના પગલે હાલ અડાલજ પોલીસ દ્વારા દેવાંગ વિસાણી સહિત ત્રણ સામે 2.25 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.




