ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરતો કાયદો રજૂ કરાયો હતો. ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો હતો. જે બાદ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ અંતર્ગત નાગરિકો અને સંસ્થાઓ તરફથી 127 જેટલા સૂચનો અને વાંધા મળ્યા હતા. આ પ્રતિભાવોમાં જનતા સ્પષ્ટપણે બે ભાગમાં વહેંચાયેલી જોવા મળે છે.
ડ્રાફ્ટ નિયમો પ્રસિદ્ધ થયા બાદ જે પ્રતિભાવો આવ્યા છે, તેમાં કેટલાક લોકોએ માતા-પિતાની મંજૂરી વગર થતા લગ્નોને રોકવા માટે વધુ કડક જોગવાઈઓની માંગ કરી છે. કેટલાક સૂચનોમાં જણાવાયું છે કે જે સંતાનો માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે, તેમને માતા-પિતાની જંગમ અને સ્થાવર મિલકતમાંથી અધિકાર છીનવી લેવો જોઈએ.અન્ય એક સૂચનમાં નોંધણી સમયે બંને પક્ષના માતા-પિતાની રૂબરૂ હાજરી અને સહી ફરજિયાત કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત વહેલા છૂટાછેડા રોકવા માટે દંપતીએ તેમની નાણાકીય અસ્કયામતો, જવાબદારીઓ અને કોઈપણ ચેપી કે આનુવંશિક રોગોની જાહેરાત કરવી જોઈએ તેવા પણ સૂચનો આવ્યા છે.
કેટલાક લોકોએ ‘લવ જેહાદ’ના કિસ્સામાં કડક સજા અને જાતિના પ્રમાણપત્રને બદલે ધર્મ સંબંધિત દસ્તાવેજો માંગવાની હિમાયત કરી છે. બીજી તરફ, અનેક લોકોએ આ સુધારાનો સખત વિરોધ કર્યો છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે માતા-પિતાને જાણ કરવી ફરજિયાત બનાવવી એ બંધારણની કલમ 21 હેઠળ મળેલા અંગત સ્વતંત્રતા અને ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.વાંધા ઉઠાવનારાઓએ ચેતવણી આપી છે કે લગ્નની વિગતો જાહેર પોર્ટલ પર મૂકવી એ પ્રાઈવસીનો ભંગ છે. ઉપરાંત, 30 દિવસના વેઈટિંગ પીરિયડ અને વાલીઓને જાણ કરવાથી દંપતી પર હુમલા, અપહરણની ખોટી ફરિયાદો અને ‘ઓનર કિલિંગ’ જેવી હિંસાનું જોખમ વધી શકે છે.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ પગલાંને નોંધણી પ્રક્રિયામાં સુરક્ષા મજબૂત કરવાના પ્રયાસ તરીકે ગણાવ્યું હતું. તેમણે લવ જેહાદ’ને સાંસ્કૃતિક આક્રમણ ગણાવી સરકારના કડક વલણનો નિર્દેશ આપ્યો હતો. જોકે, હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની આચારસંહિતા અમલમાં હોવાથી સરકાર દ્વારા આ પ્રતિભાવો પર હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓના પ્રેમલગ્ન અને ત્યારબાદ પરિવારોમાં સર્જાતી પીડા અંગે સામાજિક આંદોલનો ચાલી રહ્યા હતા. ખાસ કરીને પાટીદાર સમાજ અને અન્ય ક્ષત્રિય-ઠાકોર સમાજની સંસ્થાઓએ લાંબા સમયથી માંગ કરી હતી કે લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. લગ્ન જે તે સ્થાનિક વિસ્તાર (ગામ કે તાલુકા) માં જ નોંધવા જોઈએ.



