અમદાવાદ ખાતે સર્જાયેલ વિમાન દુર્ઘનામાં તારીખ 12 જૂને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરો સહિત અત્યાર સુધીમાં કુલ 278 લોકોનાં દુ:ખદ નિધન થયું છે. ત્યારે ગતરોજ ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવશે તે પછી સાંજે 5 વાગ્યે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 નારોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરાશે. DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમના પરિવારના સભ્યો ગાંધીનગરથી રાજકોટ પહોંચશે.
આ સાથે પુરષોત્તમ રૂપાલા ફરી એકવાર પૂર્વ સીએમ રૂપાણીના પરિજનોને સાંત્વના આપતા ગાંધીનગરમાં આવેલા તેમના બંગ્લે પહોંચ્યા હતા. રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુષ્ટી કરતાં કહ્યું હતું કે, ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયાની પુષ્ટી થઈ ચૂકી છે અને તેમના ડીએનએ પણ મેચ થઈ ગયા છે. રવિવારે સવારે 11:10 કલાકે ડીએનએના નમૂના મેચ થયા હતા. હવે તેમનો પાર્થિવ દેહ આજ સાંજ સુધીમાં રાજકોટ લઇ જવામાં આવશે. માહિતી મુજબ રાજકોટમાં વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પાર્થિવ દેહ લવાશે જ્યાં પહેલાથી અંતિમવિધિની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપી હતી કે, “એર ઇન્ડિયા દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા મૃતદેહો પૈકી, 92 મૃતદેહોનું DNA મેચિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. જોકે, કેટલાક મૃતદેહોમાં પુનરાવર્તન હોવાને કારણે વાસ્તવિક વ્યક્તિઓની સંખ્યા 87 છે. અત્યાર સુધીમાં 47 મૃતદેહો અહીંથી તેમના સંબંધીઓ દ્વારા લઈ જવામાં આવ્યા છે.’ આ માહિતી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો અને રાહત કાર્ય સાથે સંકળાયેલા અધિકારીઓ માટે મહત્વપૂર્ણ છે.
