સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ડ્રગ્સ સ્મગલિંગના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં અત્યંત ચાલાકીપૂર્વક છુપાવીને લાવવામાં આવેલો આશરે 7 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક હાઈબ્રિડ ગાંજો અધિકારીઓએ જપ્ત કર્યો છે. બનાવ અંગે અધિકારીઓએ ચાર શખસોની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 
કસ્ટમ વિભાગને બેંગકોકથી આવતી ફ્લાઇટમાં માદક દ્રવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે વિમાન લેન્ડ થતા જ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે, ગાંજાના પેકેટ્સ ફ્લાઇટની સીટની નીચે અને કુશન કવરના પાછળના ભાગે અત્યંત સાવધાનીપૂર્વક સંતાડવામાં આવ્યા હતા.
જપ્ત કરાયેલા ડ્રગ્સનું કુલ વજન 6,933.56 ગ્રામ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હાઇડ્રોપોનિક ગાંજાની અંદાજિત કિંમત 6.9 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. કસ્ટમ વિભાગે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઘટનાસ્થળેથી જ ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં હરિયાના પ્રવીણ કરમવીર, વિક્રમ ભૌકાલ, પ્રદીપ સુરજભાન અને ઉત્તર પ્રદેશના અંશુલ શિવકુમાર ગુપ્તાનો સમાવેશ થાય છે.



