ખેડાના તારાપુર તાલુકાનાં જીચકા ગામમાં બે પડોશી વચ્ચે થયેલા ઝઘડાની રીસ રાખી હતી, ઉપરાંત સોનાની બંગડી ગુમ થયાનો આક્ષેપ ફરિયાદી ઉપર જાય તે હેતુથી ૭ વર્ષના દીકરાને પડોશી મહિલાએ ઘરમાં બોલાવીને મારી નાખવાના ઈરાદે સોડા છે તે કહી કપાસમાં નાખવાની ઝેરી દવા બળજબરીથી પીવડાવી દીધી હતી. જોકે, સારવાર બાદ બાળક સ્વસ્થ થઈ ગયો હતો. બાળકે સમગ્ર હકીકત જણાવતા તારાપુર પોલીસે ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી માહિતી મુજબ, તારાપુર તાલુકાનાં જીચકા ગામમાં પતિના અવસાન બાદ ૧૨માં દિવસે ઘરમાં સોનાની બંગડીની જરૂર પડતા ઘરમાંથી બંગડી મળી ન હતી. પડોશમાં રહેતા હેતલબેન રાજુભાઈ પટેલે અન્ય મહિલા પડોશીના પતિએ ઘરની ચાવી આપવા બાબતના આક્ષેપ કર્યા હતા. તારીખ ૧૨માની વિધિ બાદ ફળિયામાં બધાને બંગડી બાબતે ભેગા કર્યા હતા. જ્યાં હેતલબેન પટેલ ખોટા સાબિત થતા પતિ રાજુભાઈએ હેતલબેનને બધાની વચ્ચે બે-ત્રણ લાફા મારી દીધા હતા.
ગત તારીખ ૧૬મી માર્ચે જીચકા ગામમાં તે જ ફળિયામાં રહેતા પડોશીનો દીકરાને ઉલટીઓ થતા સારવાર માટે તારાપુરની ખાનગી હોસ્પિટલ બાદ ગંભીર જણાતા કરમસદ મેડિકલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તારીખ ૧૮મી માર્ચે બપોરે બાળક ભાનમાં આવ્યો હતો. માતા-પિતાએ પૂછપરછ કરતા બાળકે જણાવ્યું હતું કે, હેતલબાએ મને ઘરે બોલાવી ફ્રીજમાંથી બોટલ કાઢી પાણીના ગ્લાસમાં નાખી પીવડાવી હતી. મેં ના પાડી તો મને જબરજસ્તી ગ્લાસમાં સફેદ સોડા જેવી દવા પીવડાવી હતી. બાળક સ્વસ્થ થતા તા.૨૧મી માર્ચે હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. આ અંગે ૭ વર્ષના બાળકની માતાની ફરિયાદના આધારે તારાપુર પોલીસે હેતલબેન રાજુભાઈ પટેલ (રહે.મોટી ખડકી, પટેલ ફળિયું, જીચકા ગામ) વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો.



