Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીએ સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારતમાં આ વખતે એક સપ્તાહ વહેલા ચોમાસુ બેસતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. નૈઋત્યનો વરસાદ એક જ સપ્તાહમાં કેરળથી મુંબઈ સુધી પહોંચી ગયો હતો. પરંતુ પછી અચાનક વાતાવરણે પલટો મારતા હાલ ઉત્તર ભારત આગ ઝરતી ગરમીમાં તપી રહ્યું છે. ચોમાસુ નજીક છે તેવા સમયે પણ માત્ર રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણામાં જ નહીં હિમાચ્છાદિત પર્વતોવાળા શ્રીનગરમાં પણ લોકો કાળઝાળ ગરમીથી પરેશાન થઈ ગયા છે. દિલ્હીમાં લોકોને ૪૯ ડિગ્રી જેટલી ગરમીનો અનુભવ થયો હતો. હજુ કેટલાક દિવસ સુધી લોકોને આ હીટવેવથી છૂટકારો નહીં મળે તેમ હવામાન વિભાગનું કહેવું છે. ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીએ સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું છે. મંગળવારે દિલ્હીમાં ૪૫.૫ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું, પરંતુ લોકોને જાણે ૪૯ ડિગ્રી તાપમાન હોય તેવી ગરમી અનુભવાઈ હતી.

હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારથી શહેરમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને આગામી ત્રણ દિવસ સુધી સ્થિતિ આવી જ રહેવાની સંભાવના છે. દિલ્હીમાં સોમવાર સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો, જેને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી હતી. હવામાન વિભાગ મુજબ પંજબા, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. પંજાબના ભટિંડામાં તાપમાન ૪૭.૬ ડિગ્રી સે. સુધી પહોંચી ગયું હતું, જેથી હવામાન વિભાગે ભયાનક હીટવેવની સ્થિતિ જાહેર કરી હતી. પશ્ચિમ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પણ તાપમાન ૪૭.૪ ડિગ્રી અને પૂર્વીય રાજસ્થાનમાં ૪૬.૩ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું.

હરિયાણાના સિરસામાં તાપમાન ૪૬.૨ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગે છેલ્લા કેટલાક દિવસમાં ગાજવીજ સાથે વરસાદમાં ઘટાડો થયો છે. સાથે જ ઉત્તર પશ્ચિમ ભારતમાં એન્ટી-સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે તાપમાન ૪૫ ડિગ્રી સે.થી ઉપર જતું રહ્યું છે, જેને પગલે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરીય મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં હીટવેવની સ્થિતિ છે. આ રાજ્યોમાં તાપમાન ૪૪થી ૪૭ ડિગ્રી સે. તાપમાન નોંધાઈ રહ્યું છે. કાળઝાળ ગરમીથી માત્ર ઉત્તર ભારતના મેદાની પ્રદેશના લોકો જ પરેશાન છે તેવું નથી. હિમાલયના પર્વતોથી ઘેરાયેલું શ્રીનગર પણ હીટવેવનો સામનો કરી રહ્યું છે. કાશ્મીર ખીણના લોકોને મંગળવારે ગરમીથી કોઈ રાહત મળી નહોતી. શ્રીનગરમાં મંગળવારે તાપમાન સામાન્ય કરતા અનેક ડિગ્રી ઉપર રહ્યું હતું. હવામાન વિભાગ મુજબ ૧૬ જૂન સુધી ખીણમાં હવામાનમાં કોઈ પરિવર્તનની શક્યતા નથી. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ છે. આ ક્ષેત્રોમાં તાપમાન સરેરાશ કરતાં ઊંચું રહ્યું છે. ભયાનક ગરમીના કારણે લોકો ઘરોમાં રહેવા મજબૂર છે. વધુમાં ઉત્તર, મધ્ય અને પશ્ચિમી ભારતમાં ભયાનક ગરમી અને લૂથી થતા મોત રોકવા માટે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી સહિત ૧૧ રાજ્યોને તકેદારીનાં પગલાં લેવા જણાવ્યું છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!