અમદાવાદ શહેરમાં બજારમાંથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા એક જ પરિવારની બે માસૂમ દીકરીઓના મોત નિપજ્યા હતા. જ્યારે બાળકીઓના માતા-પિતાની હાલત પણ ગંભીર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ કેસમાં મોટો વળાંક આવ્યો છે. એફએસએલની હાજરીમાં એક બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. હવે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પરિવારે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી. જોકે હવે બંને બાળકીના શંકાસ્પદ મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોસ્ટમોર્ટમ માટે જ્યારે બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવતો હતો ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
ચાંદખેડામાં રહેતા એક વ્યક્તિએ સ્થાનિક ડેરીમાંથી ઢોસા બનાવવાનું ખીરું મંગાવ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક ખરાબ થઈ હતી. જેમાં દંપતીની બે પુત્રીઓના મોત થયા હતા. જ્યારે પતિ-પત્ની હાલ હોસ્પિટલમાં છે.પરિવારજનો જણાવ્યું કે, સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતા અને સવારે બધાને ઉલટીઓ થવા લાગી હતી. યુવકના પિતાએ જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું તેની સઘન તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ડેરી માલિકે જણાવ્યું કે, અમે આ પરિવાર સિવાય અન્ય અમારા ગ્રાહકોને ખીરું આપ્યું હતું. અમે રોજનું 120 કિલો જેટલું ખીરું વેચીએ છીએ. જે પરિવારને ખીરું આપ્યું હતું એ જ લોટમાંથી અમે બીજાને પણ આપ્યું હતું. બીજા ગ્રાહકોને કોઈ તકલીફ નથી થઈ. આ ઉપરાતં માલિકે કહ્યું કે, અમારી પાસે સીસીટીવી ફૂટેજ પણ છે.ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલી એસ.પી. ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. જેમાં 55થી વધુ વિદ્યાર્થિનીઓને તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.



