ભારત ફ્રાન્સ પાસેથી રૂપિયા ૩.૬ લાખ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧૪ રફાલ ફાઇટર જેટ ખરીદશે. સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કમિટી (ડીએસી)એ આ સોદાને મંજૂરી આપી હતી.ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો ૧૫થી ૧૭ ફેબુ્રઆરીના રોજ ભારતનો પ્રવાસ ખેડવાના છે તે પૂર્વે જ આ સોદાને મંજૂરી મળી ગઈ છે. હવે આ સોદો પીએમ મોદીના નેજા હેઠળની કેબિનિટ કમિટી ઓફ સિક્યોરિટી (સીસીએસ) પાસે અંતિમ મંજૂરી માટે જશે. તેના પછી આ સોદાને લગતી પ્રક્રિયા શરુ થશે. આ સોદા હેઠળ ૧૧૪માંથી ૧૮ રફાલ તો ફ્રાન્સની કંપની તૈયાર પૂરાં પાડશે, જેમ અગાઉ ૩૬ ફાઇટર જેટ તૈયાર પૂરા પાડયા હતા. જયારે બાકીના ફાઇટર જેટનુ ટેકનોલોજી ટ્રાન્સફર કરાર અને મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે. 
ભારતને લગભગ બધા એટલે કે ૧૧૪ ફાઇટર જેટ પ્લેન મળતા પાંચથી સાત વર્ષનો સમય લાગશે. બીજા શબ્દોમાં કહીએ તો સરકારે વાર્ષિક ધોરણે તેની પાછળ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો જ ખર્ચો કરવાનો રહેશે. આ સોદો પૂરો થતાં ભારતમાં જૂના ૩૬ રફાલ અને બીજા ૧૧૪ રફાલ સાથે રફાલ ફાઇટર જેટની સંખ્યા ૧૫૦ પર પહોંચી જશે. આ સોદાના લીધે ભારતીય હવાઈદળની તાકાત વિશ્વસ્તરીય બની જશે તેમ માનવામાં આવે છે. હાલમાં ભારતીય હવાઈદળ પાસે સરકારે મંજૂર કરેલી ૪૨ સ્કવોડ્રનની તુલનાએ ફક્ત ૩૦ સ્ક્વોડ્રન જ છે. તેથી ભારતીય હવાઈદળ પાસે ૪૨ સ્કવોડ્રન હોય તો જ તે વધુ અસરકારક નીવડી શકે છે.
આ ઉપરાંત પાકિસ્તાન અને ચીનના સંયોજનને ધ્યાનમાં રાખીને આગામી દાયકામાં આ સ્કવોડ્રનની સંખ્યા ૫૬ પર લઈ જવાની જરુર પડશે તેમ હવાઈ નિષ્ણાતો કહી ચૂક્યા છે. તાજેતરમાં જ ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં રફાલ ફાઇટર જેટ અને તેના અત્યાધુનિક શસ્ત્રો જેવા કે મીટિયોર અને સ્કાલ્પ મિસાઇલની સાથે લેસર ગાઇડેડ બોમ્બે તેની તાકાત બતાવી હતી. આમ રફાલનો સમાવેશ ભારતીય હવાઈદળની વર્તમાન અને ભાવિ જરૂરિયાતો પૂરી કરવા પણ સક્ષમ છે. તેમા પણ ખાસ કરીને ભારત ફિફ્થ જનરેશ એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ) વિકસાવી રહ્યુ છે ત્યારે રફાલ જરૂર પડે તા તેના ઘાતક શસ્ત્રો, મિસાઇલો અને લેસર ગાઇડેડ બોમ્બની મદદથી ફિફ્થ જનરેશન પ્લેન તરીકે ચાલી શકે છે. અહીં તે યાદ રાખવું જરૂરી છે કે ૨૦૧૯માં ભારતીય હવાઈદળે ૧૧૪ ફાઇટર જેટ ખરીદવાનું ટેન્ડર જારી કર્યુ હતુ. તેમા ફ્રાન્સની દસો, અમેરિકાની લોકહીડ માર્ટિન, બોઇંગ એફ-એ-૧૮ અને યુરોફાઇટર ટાયપૂન રેસમાં હતા. છેવટે તેમા પસંદગી દસોના રફાલની કરવામાં આવી હતી.



