ભારતનો આધારભૂત ઝડપી બોલર મોહમ્મદ શમી આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ સિઝનમાંથી આઉટ થઈ ગયો છે. તે હાલમાં ઘાયલ છે અને તેના એન્કલની ઇજાની સર્જરી માટે ઇંગ્લેન્ડ જશે. તેમ બીસીસીઆઈના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. 33 વર્ષીય શમી હાલમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની સિરીઝમાં રમી રહ્યો નથી. હકીકતમાં તે નવેમ્બરમાં ભારતમાં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપ બાદ એકેય મેચ રમ્યો નથી.
છેલ્લે તે 19મી નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં રમ્યો હતો. બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં શમી લંડન ગયો હતો અને ત્યાં તેણે એન્કલની સારવાર માટે ખાસ ઇન્જેક્શન લીધા હતા. તે વખતે તેને કહેવામાં આવ્યું હતું કે તે થોડા સપ્તાહમાં રનિંગ કરી શકશે અને ત્યાર બાદ આગળ રમી શકશે પરંતુ તે ઇન્જેક્શનની અસર થઈ ન હતી અને હવે તેની પાસે સર્જરી સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.
તે ટૂંક સમયમાં ઇંગ્લેન્ડ જશે અને સર્જરી કરાવશે. આમ તેના માટે આઇપીએલમાં રમવાનો સવાલ જ પેદા થતો નથી. ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી સતત દુઃખાવા સાથે રમ્યો હતો અને બોલિંગ કરતી વખતે તેને ખૂબ પીડા થતી હતી તેમ છતાં ભારતને ફાઇનલ સુધી પહોંચાડવામાં તેનો સિંહફાળો રહ્યો હતો. શમીએ વર્લ્ડ કપમાં 24 વિકેટ ઝડપી હતી.
તાજેતરમાં અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયેલો મોહમ્મદ શમી તેના દસ વર્ષના ક્રિકેટજીવનમાં ભારત માટે ટેસ્ટમાં 229, વન-ડેમાં 195 અને ટી20માં 24 વિકેટ ઝડપી ચૂક્યો છે. શમીની વર્તમાન પરિસ્થિતિ જોતાં નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ) દ્વારા શમી માટે ઘડાયેલા ઇજાની સારવાર મેનેજમેન્ટના પ્રોગ્રામ સામે સવાલો પેદા થયા છે. અત્યારની સ્થિતિ જોતાં શમી આગામી ઓક્ટોબર-નવેમ્બર (2024)માં ભારતની બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ અગાઉ રમી શકે તેવી શક્યતા ઓછી છે.
