પૂર્વ કચ્છના ગાંધીધામમાં તાજેતરમાં બહાર આવેલા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ પ્રકરણમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા ખાનગી બેંકના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે. આ કર્મચારીઓએ પકડાયેલા સાયબર ક્રિમિનલો સાથે મળીને કમિશનની લાલચમાં ખોટા દસ્તાવેજોના આધારે બેંક ખાતા ખોલાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના બેન્કિંગ ક્ષેત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર કૌભાંડ? પ્રાપ્ત વિગતો અનુસાર, સાયબર ઠગોએ પૂર્વ કચ્છના ગરીબ અને અભણ શ્રમિકોને લોભ-લાલચ આપી તેમના દસ્તાવેજો મેળવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે ‘સોફા ભાડે આપવાની’ બોગસ પેઢીઓ ઊભી કરી કુલ 81 જેટલા બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા. આ ખાતાઓ દેશભરના સાયબર ગુનેગારોને કમિશનથી ભાડે આપવામાં આવતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ખાતાઓમાં અત્યાર સુધીમાં અંદાજે રૂ.182 કરોડ જેટલી રકમનું ટ્રાન્ઝેક્શન થયું છે.
બેંક કર્મચારીઓની સંડોવણી કઈ રીતે ખુલી? પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ યશ ભાટિયા, સિદ્ધાર્થ સોની, સાહિલ શર્મા અને અલ્પેશ લુહાર સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં એચ.ડી.એફ.સી. (HDFC) અને જના બેંકના કર્મચારીઓના નામ ખુલ્યા હતા.
પકડાયેલા બેંક કર્મીઓમાં નીચે મુજબના શખ્સોનો સમાવેશ થાય છે: (1) ચંદન કપિલ પંડયા (HDFC બેંક, કાસેઝ શાખા) (2) યાસિન રમજુ સાયચા (એજન્સી મેનેજર) (3) હિતેશ કિશન કપ્તા (જના બેંક, ગાંધીધામ)
આ ઉપરાંત, અગાઉ બેંકમાં ફરજ બજાવી ચૂકેલા દીપક જેઠાલાલ શર્માની સંડોવણી પણ બહાર આવી છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તપાસમાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આ કર્મચારીઓએ માત્ર ટાર્ગેટ પૂરા કરવા અને કમિશન મેળવવાની લાલચે બોગસ પેઢીઓના ઇન્વોઇસની ચકાસણી કર્યા વગર જ ખાતા ખોલી આપ્યા હતા. એટલું જ નહીં, સાયબર ફ્રોડની ફરિયાદોને કારણે જે ખાતાઓ પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા, તેને ફરી કાર્યરત (Unfreeze) કરવામાં પણ આ કર્મચારીઓએ ગુનેગારોને મદદ કરી હતી.
“પકડાયેલા ત્રણેય કર્મચારીઓના આગામી 3 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપી વિજય રાણા અને અન્ય શખ્સોને પકડવા તપાસ તેજ બનાવી છે.” — ડી.જી. પટેલ, પી.આઈ., સાયબર ક્રાઈમ
હાલમાં આ કેસમાં વિજય રાણા અને વિશ્વરાજસિંહ ઉર્ફે વિસુભા જાડેજા હજુ પોલીસ પકડથી દૂર છે. જ્યારે આરોપી હાર્દિક રાજગોર અન્ય ગુનામાં જેલમાં હોવાનું જાણવા મળ્યું છે.




