થોડા દિવસ પહેલાથી શરુ થયેલી વડોદરામાં બેંક લોકરમાંથી કિંમતી સામાન ગાયબ થવાની ઘટનાઓ હજુ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ વાઘોડિયા રોડ પરની કોસ્મોસ બેંકમાં 35 તોલા સોનું ગાયબ થયાની ઘટના બાદ શહેરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં એક વૃદ્ધ દંપતીના લોકરમાંથી 62 તોલા સોનાના દાગીના ગાયબ થયાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ દાગીનાની વર્તમાન બજાર કિંમત અંદાજે રુ. 1 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે. પીડિત દંપતી છેલ્લા 30 વર્ષથી આ બેંકમાં ખાતું અને લોકરની સુવિધા ધરાવે છે.
ઘટનાની વિગત એવી છે કે દંપતીએ છેલ્લા ચાર વર્ષથી કોઈ સામાજિક પ્રસંગ ન હોવાથી લોકર ઓપરેટ કર્યું નહોતું. તાજેતરમાં જ્યારે તેઓને દાગીનાની જરૂર પડી ત્યારે લોકરની ચાવી ન મળતા તેમણે બેંક મેનેજરનો સંપર્ક કર્યો હતો. બેંકની પ્રક્રિયા મુજબ ફી ભરીને દંપતીની હાજરીમાં લોકર તોડવામાં આવ્યું હતું. જોકે, લોકર ખુલતાની સાથે જ દંપતીના હોશ ઉડી ગયા હતા, કારણ કે તેમાં રાખેલા તમામ દાગીના ગાયબ હતા. ગાયબ થયેલા દાગીનામાં 8 બંગડીઓ, 3 ચેઈન, મંગળસૂત્ર, સોનાની લગડીઓ અને વીંટીઓ સહિતના અનેક કિંમતી આભૂષણોનો સમાવેશ થાય છે.પીડિત દંપતીએ બેંક મેનેજર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, લોકર ઓપરેટ કરવા માટે બે ચાવીની જરૂર પડે છે, જેમાંથી એક ગ્રાહક પાસે અને બીજી બેંક પાસે હોય છે. જો ગ્રાહકની ચાવી વગર લોકર ન ખૂલી શકે, તો આટલી મોટી માત્રામાં સોનું ગાયબ કેવી રીતે થયું? દંપતીએ આ મામલે બેંકના સ્ટાફની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે અને CCTV ફૂટેજ તથા ફોરેન્સિક તપાસની માંગ કરી છે. બેંક દ્વારા સંતોષકારક જવાબ ન મળતા ગ્રાહકોમાં બેંકિંગ સુરક્ષાને લઈને ભારે ફફડાટ વ્યાપી ગયો છે.



