સુરત શહેરના ટોચના બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને થોડા દિવસ પહેલાં આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અંગદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તેમને કાર્ડિયાક એરેસ્ટ આવતાં મોત થયું હતું. જોગાનુજોગ તે દિવસ તેમની દીકરીના લગ્નનો દિવસ હતો. દીકરીના લગ્નનો દિવસ જ મૃત્યુ તિથિ બની જતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
પોલીસ તપાસ દરમિયાન તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો હતો. સુરતના અબજોપતિ બિલ્ડરના આપઘાતના કેસમાં મહિલા મિત્ર પૂનમ ભાદોરિયાની ધરપકડ કરવામાં આવી છે. પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધાયો છે.મળતી વિગત પ્રમાણે, બિલ્ડર તુષાર ઘેલાણીના પરિવારે પણ મહિલા મિત્ર સામે બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી હતી. તેણીએ અબજોપતિ બિલ્ડર પાસેથી મોટો તોડ પણ કર્યો હતો. બિલ્ડર તેનીથી છૂટકારો મેળવવા માંગતા હતા પરંતુ તે છોડવા માંગતી નહોતી. તેમજ તેની પુત્રીના લગ્નમાં તમાશો કરવાની પણ ધાક ધમકી આપી હતી. જેનાથી કંટાળીને તુષાર ઘેલાણીએ આત્મઘાતી પગલું ભર્યું હતું.
બીજી તરફ પૂનમ ભદોરિયાએ પણ પોલીસ અરજી કરીને તુષાર ઘેલાણીનો પરિવાર તેનો એટીએમ મશીન તરીકે ઉપયોગ કરતો હતો, કાળજી નહોતો રાખતો તથા માન-સન્માન પણ આપતો ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેની પાસેથી તુષાર ઘેલાણીએ 25 લાખ રૂપિયા ઉછીના લીધા હોવાનો પણ દાવો કર્યો હતો.બંને પક્ષોની ફરિયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પૂનમ ભાદોરિયાની સંડોવણી જણાતા પોલીસે તેની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે.



