અમદાવાદ શહેરના એરપોર્ટ પર અઠવાડિયામાં બીજી વખત પેસેન્જરના પેટમાંથી સોનાની કેપ્સ્યૂલ નીકળી હતી. એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા એક મુસાફરની પૂછપરછ અને તલાશી લેતા તેને પોતાના પેટમાં સોનાની કેપ્સ્યૂલ છુપાવી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ કોર્ટના આદેશથી સિવિલ મોકલાયો હતો. જ્યાં મળમાંથી 5 લાખની કિંમતની 37 ગ્રામની ગોલ્ડની ત્રણ કેપ્સૂલ મળી આવી હતી.
અબુ ધાબીથી એર અરેબિયાની ફ્લાઇટમાં આવેલા ફખરુદ્દીન નામના પેસેન્જર પાસેથી લાખોની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. ગત 19 ફેબ્રુઆરી 2026ના રોજ અબુ ધાબીથી અમદાવાદ ઉતરેલા ફખરુદ્દીન નામના મુસાફરની શંકાના આધારે અટકાયત કરવામાં આવી હતી. કસ્ટમ્સની કડક પૂછપરછમાં મુસાફરે કબૂલાત કરી હતી કે તેણે સોનાની વસ્તુઓ ગળીને પોતાના શરીરમાં છુપાવી છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈ અમદાવાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ બાદ મુસાફરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં દાખલ કર્યાના પાંચ દિવસ બાદ, 24મી ફેબ્રુઆરીના રોજ મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે મુસાફરના શરીરમાંથી ત્રણ આકાર વગરના સોનાના બાર મળી આવ્યા છે. મુસાફરે મળ વાટે આ સોનાના ટુકડા બહાર કાઢ્યા હતા, ત્યારબાદ હોસ્પિટલે તેને રજા આપી હતી.
કસ્ટમ્સ વિભાગે સરકારી મૂલ્યાંકનકાર પાસે આ સોનાની તપાસ કરાવી હતી. તપાસમાં આ સોનીની બજાર કિંમત આશરે ₹5,01,827 હોવાનું સામે આવ્યું હતું. મુસાફરે કસ્ટમ્સ વિભાગને જાણ કર્યા વિના ગેરકાયદેસર રીતે સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાથી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પહેલા પહેલા 19 ફેબ્રુઆરીએ એક પેસેન્જરના પેટમાંથી 21 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. આ અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાવેલી હેરોઇન ભરેલી 79 કેપ્સ્યુલ કબજે કરવામાં આવી હતી.




