ગુજરાતમાં નકલી કચેરીઓ અને નકલી અધિકારીઓ બાદ હવે સરકારી ભરતી પ્રક્રિયામાં નકલી નિમણૂક પત્રોનું મોટું કૌભાંડ સામે આવ્યું હોવાના સનસનીખેજ આક્ષેપો થયા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સ્ટાફ નર્સ વર્ગ-૩ની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો પર્દાફાશ કરતા રાજ્યના વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.
૧૯૦૩ જગ્યાઓ માટે ગત ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ સ્ટાફ નર્સ વર્ગ-૩ની પરીક્ષા યોજાઈ હતી, જેમાં આશરે ૫૩,૫૦૦ થી વધુ ઉમેદવારો ભાગ લીધો હતો. યુવરાજસિંહના આક્ષેપ મુજબ, આ પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોને પણ આરોગ્ય વિભાગના સત્તાવાર લોગો અને સહી-સિક્કાવાળા નિમણૂક પત્રો મળી રહ્યા છે. આ ઘટનાએ અગાઉ ગુજરાત પોલીસ ભરતીમાં થયેલા કુખ્યાત ‘મયુર તડવી’ કાંડની યાદ તાજી કરાવી દીધી છે, જેમાં નકલી દસ્તાવેજોના આધારે એક શખ્સે ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી હતી. સ્ટાફ નર્સની આ ભરતી પ્રક્રિયા શરૂઆતથી જ પ્રશ્નપત્રની પેટર્ન બાબતે વિવાદોમાં રહી હતી, છતાં તંત્ર દ્વારા પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી હતી.
આ કૌભાંડમાં શિવાનીબેન ભરતભાઈ ડાકી નામની ઉમેદવારનો કિસ્સો સૌથી વધુ ચર્ચામાં છે, ઉમેદવાર પાસે આરોગ્ય વિભાગનો સત્તાવાર દેખાતો નિમણૂક પત્ર છે,ઉમેદવાર જૂના સચિવાલયમાં ઓફિસ બહાર ફોટા પડાવતા પણ જોવા મળ્યા છે.જ્યારે સત્તાવાર મેરિટ લિસ્ટ ચેક કરવામાં આવ્યું, ત્યારે આ ઉમેદવારનું નામ પાસ થયેલા લિસ્ટમાં ક્યાંય નથી. ઉલટું, તેઓ ‘ડિસ્ક્વોલિફાઈડ’ (નાપાસ) ઉમેદવારોની યાદીમાં નોંધાયેલા છે.આ આક્ષેપો બાદ હવે જોવાનું એ રહે છે કે સરકાર આ મામલે તપાસના આદેશ આપે છે કે કેમ.
“પરીક્ષામાં ફેલ હોવા છતાં ઉમેદવાર પાસે વિભાગના લોગો અને સહી-સિક્કાવાળો ઓર્ડર ક્યાંથી આવ્યો? આ એક તપાસનો વિષય છે.” – યુવરાજસિંહ જાડેજા



