પશ્ચિમ એશિયામાં વણસી રહેલા યુદ્ધની સીધી અસર હવે સ્થાનિક જનજીવન અને વિદ્યાર્થીઓના થાળી સુધી પહોંચી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયત્નો છતાં કમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડરની ભારે અછત સર્જાતા મહાનગરની શૈક્ષણિક સંસ્થાઓની મેસ અને કેન્ટીન બંધ થવાના આરે છે. અનેક જગ્યાએ મેનૂમાં કાપ મૂકવામાં આવ્યો છે, તો ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પરંપરાગત ચૂલા કે ઇન્ડક્શનનો સહારો લેવામાં આવી રહ્યો છે.
સોલા સિવિલ મેડિકલ કોલેજમાં બપોરનું ભોજન બંધ, બી.જે. મેડિકલ અને ગુજરાત યુનિવર્સિટીમાં પણ કટોકટી જેવી સ્થિતિ : સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત જીએમઈઆરએસ (GMERS) મેડિકલ કોલેજમાં શુક્રવારે ગેસના અભાવે હોસ્ટેલ મેસ આંશિક રીતે બંધ રાખવાની ફરજ પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેસ સિલિન્ડર ન મળતા અંદાજે 150 થી 300 વિદ્યાર્થીઓ અટવાયા હતા. કોલેજ સત્તાધીશોએ જણાવ્યું કે, હાલ પૂરતું બપોરનું ભોજન બંધ રાખ્યું છે પરંતુ સાંજની વ્યવસ્થા જાળવી રાખવા પ્રયાસો ચાલુ છે. રાહતની વાત એ છે કે દર્દીઓના ભોજન સેવા પર હજુ અસર પડી નથી.
બીજી તરફ, બી.જે. મેડિકલ કોલેજ તંત્રએ અગમચેતી વાપરીને કેન્ટીન સંચાલકોને ગેસનો વપરાશ ઘટાડવા અને ઇલેક્ટ્રિક ઇન્ડક્શન સ્ટવ અપનાવવા સૂચના આપી છે. ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પણ મેસની સુવિધા ખોરવાઈ હોવાના અહેવાલો છે. ખાનગી પીજી (PG) અને જ્ઞાતિની હોસ્ટેલોએ પણ કાં તો મેનૂ મર્યાદિત કર્યું છે અથવા ભાવમાં વધારો ઝીંકી દીધો છે.આ આધુનિક યુગમાં પણ ગેસની તંગીને કારણે પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં પરંપરાગત ચૂલા પર ભોજન રાંધવાની નોબત આવી છે. સમયસર ભોજન તૈયાર થઈ શકે તે માટે રસોઈયાઓ વહેલી સવારથી જ લાકડાના ચૂલા પર કામ શરૂ કરી રહ્યા છે.
સરકારની સૂચના: હોસ્પિટલ-છાત્રાલયોને પ્રાથમિકતા રાજ્ય સરકારે આ વિકટ સ્થિતિની ગંભીરતાથી નોંધ લીધી છે. સંબંધિત વિભાગોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે હોસ્પિટલો, શૈક્ષણિક છાત્રાલયો અને અન્ય આવશ્યક સેવાઓને રાંધણ ગેસનો પુરવઠો પ્રાથમિકતાના ધોરણે પૂરો પાડવામાં આવે જેથી વિદ્યાર્થીઓ અને દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે.વિદ્યાર્થીઓના બજેટ પર બેવડો ફટકો હોસ્ટેલની મેસ બંધ થતા વિદ્યાર્થીઓએ બહાર રેસ્ટોરાં કે લારીઓ પર નિર્ભર રહેવું પડે છે, પરંતુ ત્યાં પણ ગેસની અછતને બહાને ભાવમાં તોતિંગ વધારો કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓના ખિસ્સા પર બોજ વધ્યો છે.



