ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવતા લાખો ભક્તો અને પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર અને રેલવે વિભાગ દ્વારા પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તારંગા હિલ્સ-અંબાજી-આબુરોડ રેલવે પ્રોજેક્ટની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ પ્રોજેક્ટનું સૌથી મોટું આકર્ષણ ગુજરાતની સૌથી લાંબી ૨.૨૭ કિલોમીટરની રેલવે ટનલ છે, જેનું નિર્માણ કાર્ય ચીખલા ખાતે ઝડપથી આગળ વધી રહ્યું છે.
રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે કુલ રૂ.૨,૭૯૮.૧૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પ્રોજેક્ટનું ૪૦% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.ટનલના ૬૮૩ મીટરનું કામ માત્ર ૧૧.૫ મહિનાના ટૂંકા ગાળામાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે,ટનલ બનાવવા માટે ‘ટેમરોક’ નામના અત્યાધુનિક મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.વર્ષ ૨૦૨૮ સુધીમાં પ્રથમ ટ્રેન દોડાવવાના લક્ષ્યાંક સાથે દિવસ-રાત કામ ચાલી રહ્યું છે. ટનલના નિર્માણ દરમિયાન અંદરના ભાગે ગરમી અને ઓક્સિજનની અછત જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે. આથી, ત્યાં કામ કરતા શ્રમિકો અને એન્જિનિયરોની સુરક્ષા માટે ૨૪ કલાક હાઈ-ટેક વેન્ટિલેશન મશીનો કાર્યરત રાખવામાં આવ્યા છે, જેથી શુદ્ધ હવા મળી રહે.
આ પ્રોજેક્ટ માત્ર એક ટનલ પૂરતો મર્યાદિત નથી. અંબાજી નજીકની આ ટનલ ઉપરાંત, પોશીના ધ્રોવફળો પાસે ગુજરાતની બીજી સૌથી લાંબી ૧,૮૩૦ મીટરની રેલવે ટનલનું કામ પણ સમાંતર રીતે ચાલી રહ્યું છે.આ રેલવે લિંક કાર્યરત થવાથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ બનશે. અંબાજી આવતા શ્રદ્ધાળુઓ ઉપરાંત સ્થાનિક રોજગારી અને આસપાસના પર્યટન સ્થળોના વિકાસ માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે. આગામી એક વર્ષમાં બાકીના ૬૦% કામને પૂર્ણ કરવા માટે રેલવે વિભાગે કમર કસી છે.



