બારડોલીના રૂવા ગામે બપોરના સમયે કુરિયર બોયના સ્વાંગમાં આવેલા એક લૂંટારુએ 55 વર્ષીય આધેડના ઘરમાં ઘૂસી ચપ્પુની અણીએ લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. મકાનમાલિક આધેડે હિંમતભેર પ્રતિકાર કરતા લૂંટારૂ ભાગી છૂટયો હતો.
બારડોલી તાલુકાના રૂવા ગામે આવેલા પટેલ ફળીયામાં રહેતા સુરેશ પટેલ નામના 55 વર્ષીય આધેડ પોતાના ઘરે હાજર હતા. બે દિવસ પહેલાં બપોરના સમયે મોપેડ ઉપર આવેલા એક ઈસમે તમારું પાર્સલ આવ્યું છે, એવું જણાવી તેમને વિશ્વાસમાં લેવાની કોશિશ કરી હતી. પોતે કોઈ વસ્તુ મંગાવી ન હોવાનું જણાવી તેમણે પાર્સલ લેવાની ના પાડી હતી. ત્યારબાદ સુરેશ પટેલ ઘરમાં જતાં ગઠિયો તેમના ઘરના ઓટલા ઉપરથી ઘરમાં ઘૂસી ગયો હતો. સુરેશ પટેલે તેને અંદર કેમ આવ્યો, બહાર નીકળ એવું જણાવતાં જ સુરેશ પટેલને ચપ્પુ બતાવી પૈસાની માંગણી કરી હતી. જો કે સુરેશ પટેલે હિંમત રાખી લૂંટારૂને ધક્કો મારી ઘર બહાર કાઢ્યો હતો. આ સાથે સાથે બૂમાબમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. લૂંટારૂ પોતાની સાથે લાવેલ નંબર વગરના મોપેડ ઉપર ભાગવાની કોશિશ કરતા પાછળ દોડેલા સુરેશ પટેલે મોપેડ પાછળથી પકડયું હતું. પરંતુ ઝડપભેર ભાગેલા લૂંટારૂને પકડવાની કોશિશ દરમ્યાન સુરેશ પટેલ જમીન ઉપર પછડાયા હતા. લોકો દોડી આવે તે પહેલા લૂંટારૂ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
આ મામલે સૂત્રોએ જણાવ્યું કે ફૂલપ્રૂફ પ્લાન સાથે ગામમાં આવેલા લૂંટારૂએ ભરમપુર ગામનો રસ્તો પૂછી ફળીયાની રેકી કરી હતી. ત્યારબાદ બપોરના સમયે લોકો આરામ કરતા હોય તેવા અઢી વાગ્યાના સમયે સુરેશ પટેલના ઘરને નિશાન બનાવાયું હતું. મોપેડ સવાર લૂંટારૂ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની બારડોલી રૂરલ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.




