ડિસેમ્બર 2025 માં ઇન્ડિગો એરલાઈન્સની સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ થતા મુસફરોને હાલાકી પડી હતી, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) હવે મુસાફરોની મુશ્કેલીઓ દુર કરવા પગલા ભરી રહ્યું છે. DGCAએ નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ જો કોઈ મુસાફર ફ્લાઇટ ટીકીટ બૂક કર્યાના 48 કલાકની અંદર ટિકિટ રદ કરે છે, તો મુસાફરે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે. DGCAએ એરલાઇન્સને કેન્સલ થયેલી ટિકિટ માટે રિફંડ જલ્દી આપવા જણાવ્યું છે.
DGCAના નવા નિયમો મુજબ મુસાફરે એરલાઇનની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુક કરી હોય અને બુકિંગના 48 કલાકની અંદર ટિકિટ રદ કરે, તો તેને કોઈ વધારાનો ચાર્જ ચુકવવાનો રહેશે નહીં. ટિકિટ બુક કરતી વખતે મુસાફરના નામમાં ભૂલ થઇ ગઈ હોય તો મુસાફર 24 કલાકની અંદર કોઈ પણ વધારાનો ચાર્જ આપ્યા વગર તેને સુધારી શકે છે. આ સુવિધા માત્ર ઓનલાઈન ફ્લાઈટ બુકિંગ કરનારા મુસાફરો માટે જ લાગુ પડે છે.
DGCAએ કેન્સલ થયેલી ટીકીટ માટે રીફંડની પ્રક્રિયા ઝડપી બનાવવા એરલાઈન્સને જણાવ્યું છે. જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ અથવા ઓનલાઈન પોર્ટલ મારફતે ખરીદવામાં આવી હોય, તો રિફંડ આપવું એરલાઈનની જવાબદારી રહેશે. DGCA એ નિર્દેશ આપ્યો છે કે 14 કાર્યકારી દિવસોમાં રિફંડ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું કે કોઈ મુસાફર મેડિકલ ઈમરજન્સીને ફ્લાઇટ ટીકીટ રદ કરે છે, તો તેને રિફંડ મેળવવામાં કોઈ સમસ્યા થવી ન જોઈએ.




