ગુજરાતમાં જીએસટી ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરતા ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGI) ના અમદાવાદ ઝોને રાજકોટના બે મોટા વેપારીઓની ધરપકડ કરી છે. જતીન સાકરીયા અને વૈભવ બોરીચા નામના આ શખ્સોએ છેલ્લા દોઢ વર્ષમાં ₹545 કરોડના બોગસ બિલો બનાવી સરકારને રૂ.102.25 કરોડનો ચૂનો લગાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
કૌભાંડની મોડસ ઓપરેન્ડી તપાસ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ કુલ 23 જેટલી બોગસ પેઢીઓ બનાવી હતી. આ પેઢીઓ દ્વારા કોઈપણ પ્રકારના માલની ભૌતિક હેરફેર કર્યા વગર માત્ર કાગળ પર જ વ્યવહારો બતાવીને 100થી વધુ વેપારીઓને બિલો વેચવામાં આવ્યા હતા. આ રીતે આરોપીઓએ રૂ.102.25 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી લીધી હતી. અધિકારીઓ અને CA સાથે ‘સેટિંગ’ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય સૂત્રધાર જતીન સાકરીયા જીએસટી વિભાગના અધિકારીઓ સાથે મેળાપીપણું રાખીને બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશન નંબર મેળવતો હતો. આ ઉપરાંત, જીએસટી રિટર્ન ભરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ની પણ મદદ લેવામાં આવતી હતી, જેઓ બોગસ ઇનવોઇસ બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવતા હતા. દરોડામાં વાંધાજનક પુરાવા જપ્ત DGGI એ રાજકોટમાં આરોપીઓની ભાડાની ઓફિસો અને અમદાવાદમાં બે સ્થળોએ દરોડા પાડ્યા હતા.
આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં ડિજિટલ પુરાવા, મોબાઈલ, કોમ્પ્યુટર અને બોગસ બિલોના દસ્તાવેજો મળી આવ્યા છે. બીજો આરોપી વૈભવ બોરીચા તમામ નાણાકીય વ્યવહારો સંભાળતો હતો અને આંગડિયા પેઢીઓ મારફતે કરોડો રૂપિયાના વ્યવહારો ડાયવર્ટ કરતો હતો. આંગડિયા પેઢીઓ પર પણ તપાસની ગાજ રોકડ રકમની હેરાફેરી માટે આંગડિયા પેઢીઓનો ઉપયોગ થતો હોવાનું ખુલતા, તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. હાલમાં બંને આરોપીઓને જેલભેગા કરવામાં આવ્યા છે અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય મોટા માથાઓની ધરપકડની શક્યતા સેવાઈ રહી છે.
- વિગત,આંકડો
કુલ બોગસ બિલિંગ,રૂ.545 કરોડ
ખોટી રીતે મેળવેલ ITC,રૂ.102.25 કરોડ
કુલ બોગસ પેઢીઓ,23
લાભાર્થી વેપારીઓ,100 થી વધુ
સમયગાળો,છેલ્લા 18 મહિના



