મધ્યપ્રદેશના ભોપાલમાં રાજસ્થાન પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી છે જેને હવે ‘લૂંટ એન્ડ સ્કૂટ બ્રાઈડ’ કહેવામાં આવી રહી છે. આ મહિલાનું નામ અનુરાધા પાસવાન છે, જેના પર છેલ્લા સાત મહિનામાં 25 અલગ-અલગ પુરુષો સાથે લગ્ન કરવાનો અને પછી ફરાર જવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લૂંટેરી દુલ્હન દરેક લગ્ન પછી ઘરમાંથી કિંમતી સામાન અને રોકડ રકમ લઈને ફરાર થઈ જતી હતી. મળતી માહિતી મુજબ, અનુરાધા એક ‘ઠગ ગેંગ’ માટે કામ કરતી હતી, જે એવા યુવાનોને નિશાન બનાવે છે જેના લગ્ન નહોતા થઈ શકતા અથવા જેઓ જલ્દી લગ્ન કરવા માંગે છે. 
અનુરાધા આ યુવાનો સાથે લગ્ન કર્યા પછી પહેલા થોડા દિવસ તેમના ઘરમાં દુલ્હનની જેમ રહેતી, અને પછી તક મળતાં જ તે પોતાનો સામાન પેક કરીને ગાયબ થઈ જતી હતી. ખાસ વાત એ હતી કે, તે લગ્ન સંપૂર્ણપણે કાયદેસર રીતે કરાવતી હતી, જેના કારણે પીડિતો તાત્કાલિક તેની વિરુદ્ધ કંઈ કરી નહોતા શકતા. અનુરાધાના છેતરપિંડીનો ભોગ માત્ર વિષ્ણુ જ નહોતો. તેણે ભોપાલમાં ગબ્બર નામના વધુ એક યુવાન સાથે લગ્ન કર્યા અને તેની પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા. પોલીસે આ ગેંગને પકડવા માટે એક પ્લાન બનાવ્યો અને એક કોન્સ્ટેબલને નકલી વરરાજા બનાવીને એજન્ટોના સંપર્કમાં મોકલ્યો. ત્યારબાદ અનુરાધાનો ફોટો સામે આવતાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી લીધી. હવે ગેંગના અન્ય સભ્યો રોશની, રઘુબીર, ગોલુ, મજબૂત સિંહ યાદવ અને અર્જુનની તલાશ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને આવી છેતરપિંડીનો શિકાર ન બનવા ચેતવણી આપી છે.



