કપડવંજ તાલુકામાં શુક્રવારના રોજ પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં કપડવંજના કડીયાવાડ વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં સગીરાનું મોત નિપજ્યું હતું. તેમજ ઝુલેલાલ મંદિર પાસે વીજ પોલમાંથી કરંટ લાગતા ગાયનું મોત નિપજ્યું હતું. દરમિયાન કપડવંજ તાલુકાના લેટરમાં રહેતી ધોરણ ૧૦ની વિદ્યાર્થિની કાજલબેન ભરતભાઈ પરમાર (ઉ.વ.૧૫) મામલતદાર કચેરીએ કામકાજ અર્થે બપોરે ત્રણ વાગ્યા આસપાસ જઈ રહી હતી. ત્યારે પાલિકાના કડીયાવાડ વિસ્તારમાં જાહેર રસ્તા પર હુશેનભાઈ કારીગરના જૂના મકાનની દીવાલ ધરાશાયી થતાં કાજલબેન પર પડી હતી. જેથી તેણીનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં મામલતદાર કચેરી અને નગરપાલિકાના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.




