ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર વલાદ પાસે ઊભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે પૈકી એકમાં સારવાર દરમિયાન મોત થયું છે. જે ઘટના અંગે હાલ ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, મૂળ રાજસ્થાનનાં રાજસંમંદ જિલ્લાના વતની વિનોદભાઈ મીઠાલાલ ધોબી તેમના પરિવાર સાથે રાજસ્થાન સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. 
જ્યાંથી ગત સોમવારના રોજ તેઓ તેમના પત્ની જાનકીબેન તેમજ તેમના સાસુ મુન્નીબેન અને તેમના સાંઢુ દેવીલાલ સાથે રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા. કાર દેવીલાલ ચલાવી રહ્યા હતા અને તે ચિલોડાથી નરોડા તરફ જઈ રહી હતી તે સમયે વલાદથી આગળ પંચેશ્વર મહાદેવ નજીક ઉભેલી ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હતી અને કારમાં સવાર તમામ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે વિનોદભાઈનું મોત થયું હતું. જેથી અકસ્માતની આ ઘટના અંગે તેમના નાનાભાઈ દિનેશભાઈ ધોબીની ફરિયાદના આધારે ડભોડા પોલીસ દ્વારા કારક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.




