તળાજા તાલુકાના ભદ્રાવળ-૧ ગામની સીમમાં આવેલા રહેણાંક મકાનમાં પોલીસે ત્રાટકી વિદેશી દારૂના જથ્થા, બે મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો. જ્યારે એક શખ્સનું નામ ખુંલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તળાજા તાલુકાના ભદ્રાવળ-૧ ગામે તળાવ વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં રહેતો કિરણ સાર્દુળભાઈ માયડા નામના શખ્સે પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવ્યો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે તળાજા પોલીસના સ્ટાફે મધરાત્રિના સમયે દરોડો પાડી તપાસ કરતા કબાટમાં છૂપાવેલી વિદેશી દારૂની મોટી બોટલ નં.૯૯, ચપટાં નં.૮૬ મળી કુલ દારૂની નાની-મોટી બોટલ નં.૧૮૫ અને બે મોબાઈલ ફોન સાથે કિરણ માયડાની ધરપકડ કરી પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો જોરૂ પટગીર નામનો બુટલેગર આપી ગયાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે બન્ને શખ્સ સામે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.




