ઇન્ડસઇન્ડ બેંકમાં ચાલી રહેલા સંકટ વચ્ચે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં રિઝર્વ બૅંકે કહ્યું છે કે ઇન્ડસઇન્ડ બેંક નાણાકીય રીતે સ્થિર છે અને બેંક પાસે પૂરતું ભંડોળ છે, તેથી થાપણદારોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રિઝર્વ બેંક નિવેદનમાં કહ્યું છે કે, ઓડિટર દ્વારા બેંકના નાણાકીય પરિણામોની સમીક્ષા કરવામાં આવી છે. જે દર્શાવે છે કે 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં બેંક પાસે પૂરતી મૂડી છે અને તેનો મૂડી પર્યાપ્તતા અનુપાત 16.46 ટકા છે, જ્યારે જોગવાઈ કવરેજ અનુપાત 70.20 ટકા છે.

આ ખુલાસાના થોડા સમય બાદ બેંકના શેરમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો. જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ માહિતી પ્રમાણે બેંક તેની હાલની સિસ્ટમ્સની વ્યાપક સમીક્ષા કરવી અને વાસ્તવિક અસરનું મૂલ્યાંકન કરવા માટે એક બાહ્ય ઓડિટ ટીમની નિમણૂક કરી છે. ઇન્ડસઇન્ડ બેંકના શેર ગત મંગળવારે 27.06 ટકા ઘટીને રૂ.656.80 પર બંધ થયા. આ ઘટાડાનું સૌથી મોટું કારણ બેંકના ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં અનિયમિતતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના કારણે બેંકના માર્કેટ કેપમાં 2.35 ટકાનો ઘટાડો થયો. આ સાથે જ રોકાણકારોનો બૅંક પર વિશ્વાસ ઘટવા લાગ્યો અને લોકોએ શેર વેચવાનું શરુ કર્યું, જેના કારણે બેંકના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.



