અમદાવાદ: પ્રમાણિકતાથી નોકરી કરવાનું પરિણામ એક સિક્યોરીટી ગાર્ડને એવું મળ્યું છે કે તે હાલ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. વસ્ત્રાલમાં સિક્યોરીટી ગાર્ડે રીક્ષા ચાલકને એન્ટ્રી કરીને બંગ્લોઝમાં જવાનું કહેતા મામલો બિચક્યો હતો. રીક્ષાચાલકે રજીસ્ટરમાં એન્ટ્રી નહીં કરીને સિક્યોરીટી ગાર્ડ પર હુમલો કર્યો હતો અને બાદમાં તેમના પર રિક્ષા ચઢાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી.
વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી સાકારગ્રીન રેસિડન્સીમાં રહેતા અને રખીયાલમાં નોકરી કરતા પાર્થિવ મોદીએ રામોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રીક્ષા ચાલક વિરૂદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. પાર્થિવ સંયુક્ત પરિવારમાં રહે છે અને તેના પિતા નરેશભાઇ મોદી કિંગ સિક્યોરીટી ફોર્સમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. નરેશભાઇ છેલ્લા એક વર્ષથી વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા પ્રણામી બંગ્લોઝમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. જેમની નોકરીનો સમય સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધીનો છે. ગઇકાલે પાર્થિવ પોતાની નોકરી પર હાજર હતો ત્યારે કિંગ સિક્યોરીટી ફોર્સના સુપરવાઇઝર મનહરભાઇનો ફોન તેના પર આવ્યો હતો અને જણાવ્યુ હતું કે તારા પિતાજીને કોઇએ માર્યા છે અને તેમને સિંગરવા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
આ પણ વાંચો:
બોટાદ તાલુકા સેવા સદનમાં સરાજાહેર યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
પિતા નરેશભાઇ પર હુમલાની વાત સાંભળતા જ પાર્થિવ તરત જ સિંગરવાની સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. જ્યાં તે બેભાન હાલતમાં હતા. નરેશભાઇના શરીર પર વધારે પડતી ઇજા હોવાથી ડોક્ટરે તેમને સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઇ જવાની સલાહ આપી હતી. નરેશભાઇને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક છે. પાર્થિવે તેની માતા તેમજ સંબંધીઓને પણ પિતા પર હુમલાની જાણ કરી દીધી છે. જેથી તેઓ પણ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પાર્થિવે પિતા પર હુમલા મામલે પ્રણામી બંગ્લોઝના ચેરમેનને પુછ્યુ હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એક રિક્ષા ચાલકે તેમના પર હુમલો કર્યો છે.
પાર્થિવને જણાવ્યુ હતું કે, નરેશભાઇ પોતાની કેબીનમાં ડ્યુટી કરી રહ્યા હતા ત્યારે એક રીક્ષા ચાલક ત્યાં આવ્યો હતો. નરેશભાઇએ રજીસ્ટરમાં એન્ટ્રી કરીને સોસાયટીમાં જવા માટેનું કહ્યુ હતું. જોકે રીક્ષા ચાલકે તેમની એક નહીં માનતા ગાળો આપવાનું શરૂ કરી દીધુ હતું. રીક્ષા ચાલકે નરેશભાઇ પર હુમલો કરીને ફેંટો તેમજ લાતો મારવા લાગ્યો હતો. જે જોઇને નાથુલાલ ત્યાં દોડી ગયા હતા. સોસાયટીના અન્ય લોકો પણ ત્યા આવી જતા નરેશભાઇને બચાવી લીધા હતા અને રીક્ષા ચાલકને થપકો આપ્યો હતો. રીક્ષા ચાલક વધુ ઉશ્કેરાતા તેણે નરેશભાઇને કહ્યુ હતું કે, તું અહીંયા જ ઉભો રહે હું તને જોઇ લઉ છું. રીક્ષા ચાલક સોસાયટીમાં રીક્ષા લઇને ગયો હતો અને રીર્ટનમાં પુરઝડપે લાવીને નરેશભાઇ પર ચઢાવી દીધી હતી.
નરેશભાઇને રીક્ષાની ટક્કર વાગતા તે જમીન પર પડ્યા હતા. જેથી તેમને હેમરેજ થયું છે. નરેશભાઇની હાલત નાજુક છે. જ્યારે પાર્થિવે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રામોલ પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક વિરૂદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રણામી બંગ્લોઝના રહીશે રેપીડો એપ્લીકેશન મારફતે રીક્ષા બુક કરાવી હતી. પ્રાથિવે પરિચીતોની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, પ્રણામી બંગ્લોઝમાં રહેતા એક વ્યક્તિ ના ઘરના સભ્યોને રેલવે સ્ટેશન જવાનું હોવાથી તેમણે રેપીડો એપ્લીકેશન મારફતે ઓનલાઇન રીક્ષા બુક કરાવી હતી. રીક્ષા બુક કરાવ્યા બાદ ચાલક પેસેન્જરને લેવા આવ્યો હતો. જોકે, નિયમ પ્રમાણે રજીસ્ટરમાં એન્ટ્રી કરવાનું કહેતા મામલો બિચક્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
