ગાંધીનગરના સેક્ટર-૩૦ બ્રિજ પર ચિલોડા તરફથી આવતી એક રિક્ષા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવાના કારણે બ્રિજ પરથી સીધી સાબરમતી નદીમાં ખાબકી હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી પરંતુ આ દુર્ઘટનામાં રિક્ષા ચાલક શિહોલી ગામના યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મળતી વિગતો મુજબ, ગાંધીનગરના શીહોલી ગામનો રહેવાસી રાકેશ પ્રહલાદજી ઠાકોર નામનો યુવક બપોરે પોતાની રિક્ષા લઈને જમીનના દસ્તાવેજ કરાવવાના કામ અર્થે ગાંધીનગર કોર્ટ જઈ રહ્યો હતો. 
તે જ્યારે ચિલોડા તરફથી સેક્ટર-૩૦ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે કોઈ કારણોસર તેણે રિક્ષાના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા સીધી પલટી મારીને નીચે નદીના પાણીમાં ખાબકી હતી. જે ઘટનાની જાણ થતા જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ રિક્ષાને પાણીમાંથી બહાર કાઢી હતી.
પરંતુ ચાલકનો પત્તો લાગ્યો નહોતો. ત્યારબાદ સાબરમતી નદીના ઊંડા પાણીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંતે રાકેશનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવક પુત્રના મોતના સમાચારથી પરિવારજનો અને શીહોલી ગામના લોકો ઘટના સ્થળે ભીડ ઉમટી પડયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતને પગલે સેક્ટર-૩૦ બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બ્રિજ પર લોકોના ટોળા એકઠા થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. જોકે, પોલીસ કાફલાએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મોરચો સંભાળ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરવા મથામણ કરી હતી.



