નડિયાદ ઉંઢેલા ગામના સરપંચે ગેરરીતિ આચરી ગ્રામ પંચાયતને આર્થિક નુક્શાન પહોંચાડયું હોવાનું તપાસમાં ખુલતા જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. ઉંઢેલા ગામના વિનુભાઈ જે.મકવાણાએ ગામના સરપંચ ઈન્દ્રવદન પટેલ સામે ગ્રામ પંચાયતમાં નાણાંકીય ગેરરીતિ આચરી પંચાયતને આર્થિક નુક્શાન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરાઈ હતી. 
ઉપરાંત વોટર વર્ક્સ રીપેરિંગના નામે રાજકોટ મશીનરી ખેડાને રૂપિયા ૮૪,૧૯૯/- પણ ગ્રામ પંચાયતની મંજૂરી વગર ચુકવ્યા હતા. તેમજ બાવળની હરાજી કરવામાં ગેરરીતિ કરી હતી અને ૪ વૃક્ષો ગેરકાયદે છેદન કરી નાંખવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તમામ બાબતોમાં સરપંચ તરીકે હોદ્દાનો દૂરુપયોગ કરી અને ગ્રામ પંચાયતને આર્થિક નુક્શાન કર્યું હોવાનું સાબિત થયું હતું. આ બાબતે ડીડીઓ દ્વારા અનેકવાર સરપંચને ખુલાસો કરવાની તક આપવામાં આવી હતી અને સરપંચે લેખિત રજૂઆત કરી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાએ અંતિમ હુકમ કરી સરપંચ ઈન્દ્રવદન પટેલને કસુર અને સત્તાના દૂરઉપયોગ બદલ સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ કર્યો છે.



