ખેડા જિલ્લામાં ચાર વર્ષના બાળકની જાતીય સતામણી કરનારા ખેડાના લાલીવડીના શખ્સને જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરાયો હતો. તેમજ રૂ.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જેમાંથી ભોગ બનનારને વળતર પેટે રૂ.૪૫ હજાર ચૂકવવા હુકમ કર્યો હતો. 
આ અંગે બાળકના પિતાએ ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શખ્સ સામે પોક્સો સહિતની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. તેમજ તપાસ હાથ ધરીને સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તાજેતરમાં આ કેસ ખેડા જિલ્લા સ્પે.સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. સ્પે. પોક્સો જજ એસ.પી.રાહતકરએ દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓ, વકીલની દલીલોને ધ્યાને લઈ રવિ વસાવાને તકસીરવાન ઠેરવી ૩ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫૦ હજારનો દંડની સજા ફટકારી હતી. તેમજ દંડ ન ભરે તો વધુ પાંચ મહિનાની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. ઉપરાંત દંડની રકમમાંથી રૂ.૪૫ હજાર ભોગ બનનારને વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો.



