વાપીનાં ડુંગરી ફળિયામાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અન્ય છ ગોડાઉન લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આગ લાગતા આસપાસમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોટી ગયા હતા. લાશ્કરોએ ચાર કલાક બાદ આગને કાબુમાં લીધી હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. 
મળતી માહિતી મુજબ, વાપી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા ભંગારના ગોડાઉન દૂર કરવા કવાયત આદરી છે. ત્યારે આજે મળસ્કે વાપીના ડુંગરી ફળિયામાં અચાનક એક ગોડાઉનમાં આગ સળગી ઉઠી હતી. આજુબાજુમાં આવેલા અન્ય છ ગોડાઉન પણ એક પછી એક આગની લપેટમાં આવી ગયા હતા. આગની જ્વાળા આકાશમાં દૂરદૂર સુધી ફેલાઇ જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો. રહેણાંક વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં એક સાથે સાત ગોડાઉનમાં આગ લાગતા રહીશોમાં અફરાતફરી મચી ગઇ હતી. એટલું જ નહી લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. આગને પગલે વાપી મનપા, જીઆઇડીસી, નોટિફાઇડ સહિતના વિસ્તારનાં બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં લાશકરોએ ભિષણ આગને કાબુમાં લેવા હાથ ધરેલી કવાયત દરમિયાન લગભગ ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ડુંગરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.(file photo)



