ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે ત્યારે અચાનક જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જયારે દિવસ દરમિયાન ડાંગ જિલ્લાના ગામડાઓમાં ક્યાંક ઝરમરીયો તો ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જયારે શનિવારે ડાંગ જિલ્લાનાં વઘઇ અને આહવા સહિત પૂર્વપટ્ટી પંથકનાં ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ જોવા મળી હતી. જ્યારે સુબિર પંથકમાં પણ દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડતો રહ્યો હતો. સાપુતારા તથા શામગહાન પંથકમાં મધ્યમ વરસાદ પડતા વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતું.
વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા ખાતે શનિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હતા. સાપુતારા ખાતે વરસાદી માહોલમાં જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. સાપુતારા ખાતે વરસાદી મહોલની વચ્ચે ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ જતાં વાતારવણ અદભૂત બની ગયું હતું. વધુમાં વરસાદી માહોલમાં સાપુતારા ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં એક લોડિંગ ટ્રક ખોટકાઈ જતા અહી સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સાથે ભારે વાહન ચાલકો માટે સ્થિતિ વિકટ બની હતી. જોકે સાપુતારા પોલીસની ટીમે આ ટ્રકને થોડી સાઈડમાં લેતા એક સાઈડથી વાહનવ્યવહાર પૂર્વરત થયો હતો.




