ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગાંધીનગર કોર્ટમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ 7,181 કેસોનો સમાધાનથી નિકાલ લાવવામાં આવ્યો હતો. જેમાં મોટર અકસ્માતના 60 જેટલા કેસોમાં સમાધાન કરાવીને 5.28 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તથા પેટ્રોન ઇન સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાની તમામ જિલ્લા અદાલત અને તાલુકા અદાલતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ હિતા આઇ.ભટ્ટની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નેશનલ લોક અદાલતમાં મોટર અકસ્માતનાં 60 કેસોનો સમાધાનથી નિકાલ કરીને રૂપિયા 5.28 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો અને અન્ય 1038 કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. સ્પેશિયલ સીટીંગમાં 3088 ફેસલા કરવામાં આવ્યા હતા અને પ્રિ-લિટીગેશન લોક અદાલતમાં કુલ 2995 કેસનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રકારે કુલ 7181 કેસમાં સમાધાન થયું હતું. આ કેસોમાં સમાધાન કરવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એમ.જે.ગઢવી દ્વારા વિવિધ મીટીંગોનું આયોજન કરીને વધુ ને વધુ કેસોનો સમાધાનથી નિકાલ થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા.




