
તાપી જીલ્લો સહીત રાજ્યમાં અત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઠેકઠેકાણે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ નોંધાયો છે,તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કરા પડ્યાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.ઉચ્છલમાં કરા સાથે વરસાદ પડ્યો છે તો સોનગઢમાં વીજપોલ અને વૃક્ષ ધરાસાયી થયા હતા.
તા.૨૬મી નવેમ્બર સવારે ૬ વાગ્યેથી તા.૨૭મી નવેમ્બર સાંજે ૬ વાગ્યા સુધીમાં વરસાદી આંકડા પર નજર કરવામાં આવે તો તાપી જિલ્લાના સાતેય તાલુકામાં હળવેથી ભારે કમોસમી વરસાદ પડ્યો છે,જેમાં સૌથી વધુ કુકરમુંડામાં અને નિઝરમાં નોંધાયો છે. આ દરમિયાન રવિવારે આકાશી વિજળી પડવાના કારણે સોનગઢ તાલુકામાં બે જુદાજુદા બનાવોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. સોનગઢના ખાંભલા ગામે નિશાળ ફળીયામાં રહેતા અર્જુનભાઈ ગંજીભાઈ ગામીત (ઉ.વ.૫૨) પોતાના ખેતરમાં ભાતના પુળીયા ઢાંકતા હતા તે દરમિયાન અચાનક કડાકા ભડાકા સાથે અર્જુનભાઈ ગામીતના ઉપર વીજળી પડતા તેઓ શરીરે ડાબીબાજુના ખભાથી નીચે સુધી દાઝી જતા મોત નિપજ્યું હતું.જયારે વિજળી પડવાના બીજા બનાવમાં સોનગઢના ગુંદી ગામે ગાજવીજ સાથે આકાશી વિજળી પડતા ગામના મંદિર ફળીયામાં રહેતી કુસુમબેન પાયાભાઈ વસાવાનું મોત નિપજ્યું હતું.ખેતરમાં ભાત પુળીયા ઢાંકવા માટે ગયા હતા પરત ઘરે ફરતા વિજળી પડી હતી.સાતેય તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે, સોમવાર નારોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં છેલ્લા ૩૬ કલાક દરમિયાન તાપી જિલ્લાના કુકરમુંડામાં ૬ ઇંચ, નિઝરમાં ૩ ઇંચ, ઉચ્છલમાં ૧ ઇંચ , સોનગઢમાં ૨ ઇંચ , વ્યારા અને વાલોડ અને ડોલવણમાં દોઢ ઇંચથી લઈને ૨ ઈચ સુધી વરસાદ પડ્યો છે.



