પંચમહાલના ગોકળપુરામાં ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચની હત્યા બાદ પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે બની હતી. આ ઘટનામાં બે પોલીસકર્મીને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે 8 જેટલા ટીયરગેસના સેલ છોડયા હતા. જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી સહિત પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી હતી. માહિતી મુજબ, પોલીસે ટોળામાંથી સંખ્યાબંધ લોકોને ડીટેન કર્યા છે.
પંચમહાલના ગોકળપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમઆ પૂર્વ સરપંચની હત્યા કરવામાં આવી હતી. સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો હતો. આ મામલે પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સાથેનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહના પીએમ સહિતની કાર્યવાહી કર્યા બાદ શવને પરિવારજનોને ગામમાં અંતિમ સંસ્કાર કરવા માટે સોંપ્યો હતો. પરંતુ, મૃતકના પરિવારજનો અંતિમ સંસ્કાર આરોપીના ઘર સામે કરવા અડગ હતા. આ મામલે પોલીસ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ લોકોના ટોળામાંથી અચાનક પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.




