વિરાટ કોહલીનો ભારત પરત ફર્યાનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એટલે કે, વિરાટ ટુંક સમયમાં આઈપીએલની ટીમ આરસીબીમાં જોડાશે.તેમજ પ્રેક્ટિસ કરતો પણ જોવા મળશે. વિરાટ કોહલીએ પોતાના પુત્ર અકાયના જન્મને લઈને ક્રિકેટના મેદાનથી દુર હતો. ક્રિકેટના મેદાનથી અંદાજે વિરાટ કોહલી 2 મહિના દુર હતો પરંતુ હવે ભારત પરત ફરવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5ટેસ્ટ મેચની સિરીઝ શરુ થતાં પહેલા વિરાટે ટીમ ઈન્ડિયામાંથી રજા લીધી હતી. પહેલા એવા સમાચાર હતા કે, તે પહેલી 2 ટેસ્ટ મેચમાંથી બહાર થશે.ત્યારબાદ સમાચાર આવ્યા કે, તે આખી સીરિઝ રમશે નહિ. બીસીસીઆઈએ આ માટે એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી હતી કે, અમે વિરાટના આ નિર્ણયનું સન્માન કરવું જોઈએ, બાદમાં બીજા બાળક અકાયના જન્મ ની જાણકારી વિરાટ અને અનુષ્કાએ શેર કરી હતી.
હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, વિરાટ કોહલી ભારત પરત ફર્યો છે. તે આઈપીએલ2024માં રમતો જોવા મળશે. વિરાટે તેની છેલ્લી મેચ 17 જાન્યુઆરી 2024ના રોજ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ તે સીધો આઈપીએલ 2024માં રમતો જોવા મળશે. આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પોતાની પહેલી મેચ 17મી સીઝનના પહેલા દિવસે રમવાની છે, એટલે કે, 22 માર્ચના રોજ આઈપીએલ 2024ની ઓપનિંગ મેચ હશે. જે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમાશે. 15 ફેબ્રુઆરીના રોજ પુત્ર અકાયના જન્મ બાદ પહેલી મેચ રમશે. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સના ઘરઆંગણે રમાશે. આઈપીએલની આગામી સીઝનમાં વિરાટ કોહલી માટે ખાસ છે. આ સીઝનમાં ચાહકો તેના શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે. હાલમાં કેટલાક મીડિયા રીપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે, આગામી ટી 20 વર્લ્ડકપ માટે ટીમમાં સિલેક્શન તેના આઈપીએલના પ્રદર્શન પર નિર્ભર રહેશે.
