બોલ્ડ અને બિન્દાસ એક્ટ્રેસ કંગના રણોત હાલ આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ના કારણે ચર્ચામાં છે. દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન આધારિત આ ફિલ્મની રિલીઝ પહેલાં જ કંગનાએ આગામી પ્રોજેક્ટની તૈયારી શરૂ કરી દીધી છે. કંગનાએ આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ અને કાસ્ટ ફાઈનલ કરી દીધાં છે, જેમાં કંગના સાથે લીડ રોલમાં માધવન જોવા મળશે. કંગના અને માધવન અગાઉ બે ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યાં છે. કંગના રણોતની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ પહેલાં જ કંગનાએ ફિલ્મના વિષય અંગે વાત કરતાં કહ્યું હતું કે, આ ફિલ્મ જોયા પછી કોઈ વ્યક્તિ તેને વડાપ્રધાન પડે જોવાની ઈચ્છા નહીં રાખે.
કંગનાની આ કોમેન્ટને જોતાં ફિલ્મની રિલીઝ બાદ વિવાદ ઊભો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે કંગનાએ પોતાના નવા પ્રોજેક્ટ પર નજર ઠેરવી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટોગ્રાફ્સ શેર કરીને આ માહિતી આપી હતી. કંગનાની સાથે તેમાં માધવન જોવા મળે છે. કંગનાએ કેપ્શનમાં લખ્યુ હતું, વધુ એક શાનદાર સ્ક્રિપ્ટ માટે માનીતા માધવન સાથે કામ કરવા પાછી આવી છું.
કંગના અને માધવને અગાઉ ‘તનુ વેડ્સ મનુ’ અને સીક્વલ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં સાથે કામ કર્યુ હતું. કંગનાની છેલ્લી ફિલ્મ તેજસ હતી. આ ફિલ્મમાં કંગના એરફોર્સ પાઈલટનો રોલ કર્યો હતો. બોક્સઓફિસ પર ‘તેજસ’ ખાસ ચાલી ન હતી. ટૂંક સમયમાં ‘ઈમરજન્સી’માં કંગનાનો લીડ રોલ છે. લોકસભા ચૂંટણીના માહોલમાં પોલિટિકલ ડ્રામા ધરાવતી કંગનાની ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મમાં કંગનાની સાથે અનુપમ ખેર, મહિમા ચૌધરી અને અનુપમ ખેર મહત્ત્વના રોલમાં છે.




