વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્કની 552 જગ્યા માટે ઉમેદવારોની પસંદગી બાદ કોર્પોરેશનમાં તેઓની નોકરી હવે શરૂ થવાની છે. તારીખ 3ના રોજ મુખ્યમંત્રી વડોદરા આવે છે ત્યારે 552માંથી હાલ 525 ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવશે. આ 525 ઉમેદવારોને તારીખ 2 અને 3નાં રોજ વડોદરા બોલાવ્યા છે અને સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સવારે 10થી સાંજ સુધી તેઓનું ઓરિયનટેસન કરવામાં આવનાર છે. જેમાં કોર્પોરેશનના વિવિધ વિભાગના વડાઓ આ ઉમેદવારોને કોર્પોરેશનના જુદા જુદા વિભાગો જેમ કે એકાઉન્ટ એન્જિનિયરિંગ, ઓડિટ, રેવન્યુ વગેરેમાં કેવા પ્રકારની કામગીરી હોય છે અને કઈ રીતે કરવાની હોય તેની સમજ આપશે.
મુખ્યમંત્રી તારીખ 3ની સાંજે વડોદરા આવી રહ્યા છે. જેમાં કોર્પોરેશનના 156 કરોડના 32 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યારે વુડાના 617 કરોડના બે કામોનું ખાતમુહૂર્ત કરવાના છે. જેમાં 360 કરોડના ખર્ચે ડ્રાફ્ટ લેવલની મંજૂર ટીપી સ્કીમમાંથી રોડનું કામ છે અને બીજું 257 કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્કની કામગીરી છે. આ બંને કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતું કે ગઈ તારીખ 22ના રોજ પ્રધાનમંત્રીના હસ્તે 961 કરોડના 11 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, એ પછી મુખ્યમંત્રીના હસ્તે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે કે ગણતરીના દિવસોમાં જ 1,734 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે.
