સુરતમાં ડુંભાલ ખાતે મધરાત્રે કાપડ દલાલને આડેધડ ૩૦ જેટલા ઘા મારી દલાલની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ હતી. 
જોકે પોલીસનો બાતમીદાર હોવાની શંકામાં હત્યાની વાતો વચ્ચે બેને પકડી લેવાયા હતા. લિંબાયતમાં મોડલ ટાઉન,શ્યામવાટિકા ખાતે રહેતા અજય ઝીંડારામ અગ્રવાલ (મૂળ ઝુનઝુનુ, રાજસ્થાન)નો નાનો ભાઈ આલોક (૪૬) કાપડ દલાલ હતો. તા. ૨ના રોજ મધરાત્રે ડુંભાલમાં ફાયર સ્ટેશન, વાટીકા ટાઉનશીપમાં આવેલા શોપિંગ સેન્ટર પાસે અજાણ્યાઓએ આલોકને આડેધડ ચપ્પુના ઘા માર્યા હતા. આલોકને સારવારાર્થે સ્થાનિક ૧૦૮માં સ્મીમેર લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મરણ ઘોષિત કર્યો હતો. લિંબાયત પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આલોકને ચપ્પુના ૩૦થી વધુ ઘા મારી રહેંસી નંખાયો હતો. આલોક અગાઉ જુગાર રમતા બે વખત પકડાઈ ચૂક્યો હતો. તે પોલીસનો બાતમીદાર હોવાની પણ શંકા હતી. જેથી અમરોલીના અબરામ, ઓરિસ્સાના ભગવાન સ્વાઈ અને યુપીના દીપકસિંગે આલોકને ફિલ્મી સ્ટાઈલે ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે લાઇવ હત્યાનો વીડિયો પણ વાયરલ થયો હતો.




