થાણેમાં એક બારની બહાર બામ્બુ અને બિયરની બૉટલ્સથી હુમલો કરી પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરવાના પ્રયાસના 2016ના કેસમાં સેશન્સ કોર્ટે આઠ આરોપીને નિર્દોષ છોડ્યા હતા. કોન્સ્ટેબલ હુમલાખોરોને ઓળખી શક્યો નહોતો અને ફરિયાદ પક્ષનો મુખ્ય સાક્ષી ફરી ગયો હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
એડિશનલ સેશન્સ જજ વી. એલ. ભોસલેએ સોમવારે આવેલા ચુકાદામાં આરોપીને શંકાનો લાભ આપ્યો હતો. ફરિયાદ પક્ષ ગુનો પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હોવાની નોંધ તેમણે કરી હતી. ચુકાદાની નકલ બુધવારે પ્રાપ્ત થઈ હતી. ફરિયાદ પક્ષ અનુસાર 21 એપ્રિલ, 2016ની રાતે થાણેના ઉપવન વિસ્તારમાં એક બારની બહાર કોન્સ્ટેબલ ભાસ્કર સોનાવણે પર બામ્બુ અને બિયરની બૉટલ્સ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
હૉટેલવાળા અને કમલેશ નામના ગ્રાહક વચ્ચે થયેલા વિવાદ બાદ કમલેશનો ભાઈ અરુણ 10થી 15 જણ સાથે હોટેલ બહાર પહોંચ્યો હતો, જેને પગલે વિવાદ વકર્યો હતો.એક ખબરીને મળવા બાર નજીક પહોંચેલા સોનાવણેએ મધ્યસ્થી કરતાં તેના પર હુમલો કરાયો હતો. આ હુમલામાં કોન્સ્ટેબલને ફ્રેક્ચર થયું હતું અને મગજને પણ ઇજા પહોંચી હતી, એવું કોર્ટમાં જણાવાયું હતું.
આ મામલે આઠ આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. કોર્ટે નોંધ્યું હતું કે રાતના સમયે બનેલી આ ઘટનામાં કોન્સ્ટેબલ માથામાં ઇજાને કારણે બેભાન થઈ ગયો હતો, જેને કારણે તે કોઈ પણ આરોપીને ઓળખી શક્યો નહોતો.વધુમાં આ કેસના મૂળ ફરિયાદી હોટેલના ભાગીદાર રાજેશ શેટ્ટી અને મૅનેજર નવીન ગૌડા બન્ને ફરી ગયા હતા, એવી નોંધ કોર્ટે કરી હતી.પરિણામે રેકોર્ડ પરના બધા પુરાવાને ધ્યાનમાં લેતાં ફરિયાદ પક્ષ આરોપીઓ વિરુદ્ધના આરોપ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો હોવાનું જણાવી કોર્ટે આરોપીઓને છોડી મૂક્યા હતા. (પીટીઆઈ)




