અંજારના શાન્તિધામ વિસ્તારમાં બે બાળકો સાઇકલ મારફતે રમવા નીકળ્યા હતા. જેમાં એક બાળક પાણીમાં પડી જતા તેનું મોત થયું હતું. બાળક ડૂબી જતા તેની કલાકોની શોધ બાદ બાળકનો મૃતદેહ મળી શક્યો હતો. બનાવ અંગે મળતી માહિતી મુજબ, ગાંધીધામ તાલુકાના ગળપાદર નજીક આવેલા તળાવમાં અંજારના શાંતિધામ વિસ્તારમાં રહેતો ૭ વર્ષીય પવન જેલૈયા નામનો બાળક ડૂબી જતા તેનું મોત થયું હતું.
આ બનાવની જાણ થતા ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ, ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને ભુજ નગરપાલિકાની ટીમ દ્વારા બાળકની શોધખોળ કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બુધવારે બપોરના અરસામાં પોતાના ઘર નજીક સાયકલ ઉપર બે બાળકો રમતા હતા ત્યારે રમતા રમતા એક બાળક આ વહેતા પ્રવાહમાં પડી ગયો હતો. આ બનાવની જાણ થતા લોકો એકત્રિત થયા હતા અને સાંજે અંજાર પોલીસ, ફાયર બ્રિગેડ તથા ઈઆરસીને જાણ કરતા આ સમગ્ર ટીમો તાત્કાલિક ઘટના સાથે પહોંચી હતી અને બાળકની શોધખોળ ચાલુ કરી હતી. ભુજથી એનડીઆરએફ ટીમને પણ બોલાવવામાં આવી હતી. જેમણે કલાકોની જહેમત બાદ અંતે સાંજના અરસામાં ડૂબેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.



