કેનેડામાં રહેતી બહેનની વડોદરા નજીક તતારપુરાની વડીલોપાર્જિત ખેતીલાયક આશરે ૫૦ વીઘા જમીનમાંથી નામ કઢાવી અમેરિકામાં રહેતા સગાભાઇએ જમીન બારોબાર વેચી દઇ ઠગાઇ કરતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતા. અલકાપુરીની વિશ્વાસ કોલોનીમાં શ્રીમાયા રેસિડેન્સીમાં રહેતા વિક્રમ શ્રીરામ શીંદેએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ભરત રમણભાઇ પટેલ (રહે.રાજભવન કોલોની, બગીખાના, હાલ અમેરિકા) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી બહેનના લગ્ન જય નીતિન પટેલ સાથે થયા છે.
મારી બહેનના સાસુ દક્ષાબેન કેનેડા સ્થાયી થયા છે. તેમણે મને સરકારી, કોર્ટ અથવા અન્ય કામો માટે પાવર ઓફ એટર્ની આપી છે. દક્ષાબેન કેનેડા હતા ત્યારે તેમના સંબંધીઓ દ્વારા જાણ થઇ હતી કે તેમના પિતા રમણભાઇ શામળભાઇ પટેલની વડીલોપાર્જિત તતારપુરા અને કપુરાઇની જમીનો આવેલી છે તે પૈકી કેટલીક જમીનો તેમના સગાભાઇ ભરતભાઇએ વેચી દીધી છે. બાદમાં તેમણે મને તપાસ કરાવવાનું કહેતા મેં સરકારી કચેરીઓમાંથી જમીનોને લગતા દસ્તાવેજો મેળવતા તતારપુરાની કેટલીક જમીનોના ઉતારામાં નામો અન્ય હોવાનું જણાયું હતું અને આ જમીનોના વેચાણ દસ્તાવેજો ભરતભાઇએ કરી આપ્યા હતાં. બાદમાં ગ્રામ પંચાયતમાંથી જમીનોને લગતા દસ્તાવેજો મેળવતા દક્ષાબેને વહેંચણીલેખ તેમજ સંમતિલેખ કરી આપ્યા હોવાનો ઉલ્લેખ હતો. જેમાં દક્ષાબેનની સહિ અને ફોટો લગાડેલો હતો. જે નોટરી સમક્ષ કરેલા કરારો હતાં. દક્ષાબેને આવા કોઇ કરારો કરી આપ્યા નથી તેમ છતાં બોગસ ડોક્યૂમેન્ટનો ઉપયોગ કર્યો હતાં. ઉપરોક્ત છેતરપિંડી અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




