નવસારીથી ચાર દિવસ પહેલા ગુમ થયેલ માનસીક બીમાર યુવક રાહુલ રાજપુત બિહારથી મળી આવતા પરિવારજનો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. તારીખ ૨૫ મે નારોજ રાહુલ ઉપેન્દ્રસિંગ રાજપૂત (રહે.પૂર્ણેશ્વર,ગૌ શાળાની પાછળ,જલાલપોર,નવસારી) ઘરેથી ગુમ થયો હતો. માનસિક બીમાર રાહુલ ગુમ થતા તેના પરિવારજનોએ નવસારીમાં વિવિધ સ્થળોએ શોધખોળ કરવા છતા કોઇ પત્તો નહીં મળતા છેવટે પોલીસને જાણ કરી હતી. 
૪ દિવસથી ઘરેથી ગુમ થયેલા રાહુલ નવસારી રેલવે સ્ટેશનથી બેસી બિહાર રાજ્યના સહરસા રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો. ટ્રેનનું છેલ્લુ સ્ટોપેજ હોવાથી અજાણ્યો યુવક નિંદ્રાધીન હાલતમાં હોય એક મુસાફરે તેને ઉઠાડી પુછપરછ કરતા તે નવસારીનો વતની હોવાનું કહયું હતું અને તેને માતાનો મોબાઇલ નંબર આપતા મુસાફરે તેના પરિવારને ફોન કરીને તેમનો પુત્ર રાહુલ બિહારના સહરસા હોવાનું જણાવી તેનો કબ્જો પોલીસ પાસેથી લેવા જણાવ્યું હતું. ૪ દિવસથી ગુમ થયેલા માનસિક રોગી અને ખેંચની બીમારી ધરાવતા રાહુલ મળી આવતા તેના પરિવારજનોમાં ખુશી વ્યાપી હતી અને તેને લેવા માટે બિહાર રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું.



