વડોદરાના શિયાબાગ ભાઉદાસ મહોલ્લાના બંધ મકાનનું તાળું તોડીને બાઇક પર આવેલા બે ચોર રૂપિયા 3.22 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. શિયાબાગ પ્રાણનાથ મંદિર પાસે ભાઉદાસ મહોલ્લામાં રહેતા પુર્વિકભાઇ બાબુલાલ શાહ શિયાબાગ ચાર રસ્તા પાસે હનુમાન દૂધ ડેપો નામે પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. તેઓનું જૂનું મકાન કાછીયા પટેલની વાડીમાં આવેલું છે.
ગત તારીખ ૨૧ મી એ તેઓ જૂના મકાનને તાળું મારીને બીજા મકાનમાં ઊંઘવા માટે ગયા હતા. બીજે દિવસે સવારે પોણા પાંચ વાગ્યે તેમના પિતા દુકાન ખોલવા જતા હતા. તે સમયે તેઓની નજર જૂના મકાન પર પડતા મકાનના દરવાજા ખુલ્લા હતા. તેઓએ પુત્ર પુર્વિકને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં હતો. ચોર ટોળકી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૃપિયા મળી કુલ રૂપિયા 3.22 લાખની લઇ ગઇ હતી. બનાવ અંગે નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ ચેક કરતા મળસ્કે ચાર વાગ્યે બે ચોર બાઇક પર આવ્યા હોવાનું દેખાતું હતું.




