વાપીની જય રામ ટ્રાન્સ લિંક પ્રા.લિ.માં શિવાનંદ અશરફીલાલ મિશ્રા ટેમ્પો ચલાવે છે. જોકે શિવાનંદ ટ્રાન્સપોર્ટમાંથી માલ ભરી પુણે મહારાષ્ટ્ર જવા નીકળ્યો હતો. તે દરમિયાન તલવાડા સૂરજ પંજાબી ઢાબા સામે નેશનલ હાઈવે નંબર-૪૮ના સુરતથી મુંબઈ જતા રોડના ફર્સ્ટ ટ્રેક ઉપર રાત્રીએ સાડા અગિયારેક વાગ્યાના અરસામાં શિવાનંદના ટેમ્પોની આગળ ચાલતા ટેમ્પોના ચાલકે અચાનક બ્રેક મારી હતી. તેથી શિવાનંદના કબજાનો ટેમ્પો આગળના ટેમ્પો સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં શિવાનંદને છાતીના ભાગે ગંભીર ઈજા થતાં ભીલાડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. 
ત્યાંથી વધુ સારવાર માટે તેને વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન શિવાનંદનું અવસાન થયું હતું. આ ઘટનાની જાણ રાજકુમાર શર્માએ ભીલાડ પોલીસ મથકમાં કરી હતી. જ્યારે બીજા બનાવની વિગતો એવી છે કે, વિનેશ ઈશ્વરભાઈ ભૂરકુંડ (રહે.અચ્છાડ, મહારાષ્ટ્ર, મૂળ રહે.ભીલાડ બ્રાહ્મણ પાડા) સવારે પોતાની બાઈક લઈને ઘરેથી નીકળ્યા હતા. તે દરમિયાન સાડા સાતેક વાગ્યાના અરસામાં નંદીગામ જૈન મંદિર પાસે મુંબઈથી સુરત તરફ નેશનલ હાઈવે નંબર-૪૮ના થર્ડ ટ્રેક ઉપર વિનેશે પોતાની બાઈક આગળ ચાલતા કન્ટેનરમાં ધડાકાભેર અથડાતા વિનેશને શરીરે માથાના પાછળના ભાગે અને પગમાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતને પગલે આસપાસથી રાહદારીઓએ દોડી આવી ૧૦૮ મારફતે વિનેશને ભીલાડની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. જયાં હાજર તબીબે તપાસીને વિનેશને મૃત જાહેર કર્યા હતા.



