વડોદરા-દીવ રૂટની બસ ભાવનગર-સોમનાથ હાઈવે પર ત્રાપજ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે ભાંગતી રાત્રે બસના ચાલકની બેદરકારની કારણે જાહેર શૌચાલય સાથે એસ.ટી. બસ ધડાકાભેર ભટકાતા કંડક્ટરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ અકસ્માતની ઘટનામાં ડ્રાઈવરને ઈજા થઈ હતી. જ્યારે બસમાં સવાર સાત મુસાફરને ગંભીર ઈજા થતાં ૧૦૮ મારફતે તળાજા અને ભાવનગર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વડોદરા-દીવ રૂટની એસ.ટી. બસ વડોદરાથી ઉપડી ઉના તરફ જઈ રહી હતી.
તે વહેલી સવારના સાડા પાંચેક વાગ્યાના અરસામાં બસ ત્રાપજથી આગળ વધી તળાજા તરફ આવતી હતી. ત્યારે ડ્રાઈવરે બેફિકરાઈથી અને પુરઝડપે ચલાવી રસ્તામાં જાહેર શૌચાલય સાથે બસ ધડાકાભેર ભટકાતા બસનો ડાબી સાઈડનો ભાગ લગભગ અડધા જેટલો ચિરાઈ ગયો હતો. બનાવમાં બસના કંડક્ટર વિપુલ ચંદ્રસિંહ વસૈયા (ઉ.વ.૩૦) ફંગોળાઈને શૌચાલયમાં જઈ પટકાતા તેમને માથા અને આંખના ભાગે જીવલેણ ઈજા થઈ હતી. કંડક્ટરને એટલી હદે ઈજા થઈ હતી કે, તેમનો ચહેરો બિહામણો થઈ ગયો હતો.
વધુમાં બસના ડ્રાઈવર તેમજ બસમાં સવાર અન્ય સાત ઘાયલ મુસાફરો જેમાં જયસુખભાઈ વશરામભાઈ ચૌહાણ, રંજનબેન જયસુખભાઈ ચૌહાણ, ફિરોઝાબેન સોહિલઅબ્બાસ નકવી, અલી રહેબર નકવી, આશીષભાઈ કિરીટભાઈ ભટ્ટ, કુસુમબા હરદેવસિંહ વાળા હરદેવસિંહ વાળા (રહે.તમામ મહુવા) અને ધુ્રવ મનીષભાઈ ગોહિલ (રહે.ઉના)નાંને નાની-મોટી ગંભીર ઈજા થતાં તળાજા, તણસા અને અલંગ ૧૦૮ મારફતે ત્રણ ઈજાગ્રસ્તને તળાજા અને ચારને ભાવનગર હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે ઈજાગ્રસ્ત ધુ્રવભાઈ મનીષભાઈ ગોહેલ (ઉ.વ.૨૧., રહે.તુલસીધામ સોસાયટી, પુરૂષાર્થ, ઉના, જિ.ગીર સોમનાથ)નાંએ એસ.ટી. બસનાં ચાલક સામે અલંગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.




