અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં આવેલા ભરવાડ વાસમાં ભરવાડ પરિવારો વસે છે. ભરવાડ વાસમાં રાધાકૃષ્ણ મંદિર આવેલું છે તેનો દર પાંચ વર્ષે જીર્ણોધ્ધાર કરવામાં આવે છે. મંદિરના જીર્ણાધ્ધાર પ્રસંગ પછી યોજાયેલા કાર્યક્રમની આમંત્રણ પત્રિકાના મુદ્દે સવારે ભરવાડ વાસમાં જ રહેતા ભરવાડ પરિવારોના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં સમાધાન થયું હતું. બે જૂથના ટોળાં સામસામે આવી ગયાં હતાં જોકે આ મુદ્દે અંદરખાને કચવાટ વચ્ચે સાંજના સમયે બે જૂથના ટોળાં સામસામે આવી ગયાં હતાં. બે જૂથ વચ્ચે પથ્થરમારો અને લાકડીઓથી હુમલાની ઘટના બની હતી.
આ ઘટનામાં લીરીબહેન નામના એક ભરવાડ વૃધ્ધાનું મૃત્યુ નિપજ્યું હતું. જોકે આ વૃધ્ધાનું મૃત્યુ ઈજાને કારણે થયું છે કે, હાર્ટએટેક આવવાના કારણે થયું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. ઈન્ચાર્જ ડી.સી.પી. શફી હસને જણાવ્યું હતું કે, વૃધ્ધાના મૃત્યુનું ખરૂં કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે. પથ્થરમારા અને હુમલાની ઘટનામાં ગોવિંદભાઈ દલુભાઈ, રણજીતભાઈ રણછોડભાઈ, ભવાનભાઈ મોતીભાઈ અને શકરાભાઈ સહિત કુલ સાત વ્યક્તિઓને નાની- મોટી ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયાં છે. આ બનાવ બાદ તંગદિલીનો માહોલ રાત્રે પણ યથાવત રહેતાં વસ્ત્રાપુર પી.આઈ.એલ.એલ. ચાવડા અને સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાયો હતો.
