Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પાટણમાં નવજાત જન્મેલી બાળકી કપડામાં વીંટાળેલી હાલતમાં મળી આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પાટણ શહેરના સૂર્યનગર વિસ્તારમાં રોડની સાઈડમાં આજે સવારે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા નવજાત જન્મેલી બાળકીને કપડામાં વીંટાળેલી હાલતમાં મળી આવી હતી. બાળકીને રસ્તે રઝળતી મૂકી દેવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. બાળકીના રુદનનો અવાજ સાંભળી આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. 108 મારફતે બાળકીને સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

હાલ પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા બાળકીના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે. સરકાર દ્વારા એક બાજુ બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર સાથે મહિલા સશક્તિકરણ અને સ્ત્રીભૃણ હત્યા અટકાવવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ મામલે વિશેષ અભિયાન પણ હાથ ધરવામાં આવે છે. છતાં અવારનવાર નવજાત બાળકીઓ તરછોડી દેવાના બનાવો પ્રકાશમાં આવે છે. ત્યારે પાટણમાં એક નવજાત બાળકીને તરછોડી દેવાની ઘટના સામે આવી છે.

પાટણના સુજનીપુર રોડની સાઈડમાં ખેડૂત સવારના સમયે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન નવજાત બાળકી કપડામાં વીંટાળેલી હાલતમાં જીવિત મળી આવી હતી. જે અંગે તાત્કાલિક 108 ને કોલ કરતા 108 ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બાળકીને સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. પાટણ સિવિલ હોસ્પિટલના ડો.રાજેશ ઠક્કરે આ બાબતે જણાવ્યું હતું કે, આજે સવારે 108 એમ્બ્યુલન્સ દ્વારા નવજાત ત્યજી દેવાયેલી બાળકીને હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી છે.

એક અંદાજ મુજબ આ બાળકી બે થી પાંચ દિવસની હોવી જોઈએ. હાલમાં તેને આઈસીયુ વોર્ડમાં ઓક્સિજન ઉપર રાખવામાં આવી છે અને બાળકીની હાલત સુધારા પર છે. તો બીજી તરફ બાળ કલ્યાણ સમિતિના સભ્યો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને બાળકીની તબિયત સુધારા પર જણાયા બાદ બાળકીને નિયમ અનુસાર ચિલ્ડ્રન હોમમાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.  હાલમાં તો એક નિષ્ઠુર માતા દ્વારા નવજાત બાળકીને ત્યજી દેવાની ઘટનાને લઈને સમગ્ર પાટણ શહેરમાં ચકચાર મચી છે અને આવી કઠણ હૃદયની માતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!