મુખ્યમંત્રી ડો.મોહન યાદવે કહ્યું છે કે, મધ્યપ્રદેશ ભૌગોલિક રીતે મોટો પ્રાંત છે. રાજ્યમાં રોડ અને રેલ માર્ગે પરિવહનની સુવિધા ઉપલબ્ધ છે, આ સાથે રાજ્ય સરકાર હવે હવાઈ માર્ગથી પણ ઓછા સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાની સુવિધા પૂરી પાડી રહી છે. રાજ્યના ધાર્મિક પર્યટન, અન્ય પર્યટન સ્થળો અને મોટા શહેરો સુધી હવાઈ સેવાનો વિસ્તરણ પ્રાથમિકતાના આધારે કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ડો. યાદવ પીએમશ્રી પ્રવાસન હવાઈ સેવા અને પીએમશ્રી ધાર્મિક પ્રવાસન હેલી સેવાના લોકાર્પણ પ્રસંગે સરકારી હવાઈ મથક, ભોપાલ ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. મુખ્યપ્રધાન ડો.યાદવે કહ્યું કે, મધ્યપ્રદેશ પર ભગવાનની વિશેષ કૃપા છે.
અમરકંટકમાંથી નીકળતી ‘માતા નર્મદા’એ મધ્યપ્રદેશ તેમજ ગુજરાતની જીવાદોરી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની પહેલ પર, માતા નર્મદાએ દેશને ઉર્જા અને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજ્યમાં હવાઈ સેવા શરૂ થવાથી લોકોને ધાર્મિક તેમજ વેપાર-ધંધાકીય અને વહીવટી પ્રવૃતિઓ માટે અને તમામ પ્રકારના સંજોગોમાં ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું શક્ય બનશે. અમારો પ્રયાસ તમામ જિલ્લાઓમાં એરસ્ટ્રીપ્સ બનાવવા અને આંતર-રાજ્ય હવાઈ સેવાનો વિસ્તાર કરવાનો રહેશે.
મુખ્યમંત્રી ડો.યાદવે કહ્યું કે, ઈન્દોરથી મહાકાલેશ્વર અને મમલેશ્વર (ઓમકારેશ્વર) સુધી હવાઈ સેવા બાદ કેદારનાથ અને યમુનોત્રીની જેમ ટુંક સમયમાં દતિયા, મૈહર, ઓરછા વગેરેના દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. રાજ્યના તમામ મુખ્ય ધાર્મિક સ્થળો સુધી હવાઈ સુવિધા વિસ્તારવાના પ્રયાસો કરવામાં આવશે. પર્યટનના દૃષ્ટિકોણથી મહત્વના અન્ય સ્થળો જેમ કે કાન્હા, બાંધવગઢ સુધી હવાઈ સેવા વિસ્તારવાની પણ યોજના છે. સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી આ યોજાનાઓથી રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક યાત્રા માટે સંચાલિત યોજનાઓને જોડીને રાજ્યમાં હાલના યાત્રાધામોની મુલાકાત લેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
મુખ્યમંત્રી ડો.મોહન યાદવે બંને યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે રિમોટનું બટન દબાવીને બંને યોજનાઓ શરૂ કરી અને બે વિમાનો અને એક હેલિકોપ્ટરને ફ્લેગ ઓફ કર્યું. તેમણે કહ્યું કે શરૂઆત તરીકે મંત્રી કૈલાશ વિજયવર્ગીય, રાજ્યમંત્રી ગૌતમ ટેટવાલ, શ્રી નરેશ શિવાજી પટેલ અને ડો.પ્રતિમા બાગરી ઈન્દોરની યાત્રા કરી રહ્યાં છે. એ જ રીતે મંત્રી રાકેશ સિંહ, શ્રીમતી સંપત્તિ ઉઇકે અને ધર્મેન્દ્ર લોધી જબલપુર જવા રવાના થઈ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવરા, મંત્રીઓ અંધલ સિંહ કંસાના, નારાયણ સિંહ કુશવાહ અને પ્રદ્યુમન તોમર ગ્વાલિયર માટે શરૂ થનારી સેવા માટે રવાના થઈ રહ્યા છે.
પ્રવાસનને મળશે પાંખો-પ્રવાસન મંત્રી લોધી
સમારોહમાં, પ્રવાસન, સંસ્કૃતિ, એન્ડોમેન્ટ્સ અને ધાર્મિક ટ્રસ્ટ મંત્રી શ્રી ધર્મેન્દ્ર લોધીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ડો.મોહન યાદવની પ્રેરણાથી મધ્યપ્રદેશને ‘પીએમશ્રી પ્રવાસન હવાઈ સેવા’ અને ‘પીએમશ્રી ધાર્મિક પ્રવાસન હેલી સેવા’ની ભેટ મળી રહી છે. આનાથી રાજ્યના પ્રવાસનને નવી પાંખો મળશે. પ્રથમ વખત બે ટ્વીન એન્જિન એરક્રાફ્ટ ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં હવાઈ મુસાફરી ખૂબ જ સુરક્ષિત રહેશે. સસ્તા દરે, પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ અથવા સામાન્ય નાગરિકો એક શહેરથી બીજા શહેરમાં ખૂબ જ ઓછા સમયમાં પહોંચી શકશે. હવાઈ સેવા દ્વારા રાજ્યના અંતરિયાળ વિસ્તારોને પ્રવાસન નકશામાં ઉમેરવામાં આવશે, જેનો લાભ સ્થાનિક લોકોને મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.
પીએમશ્રી પ્રવાસન હવાઈ સેવાના સંચાલન માટે થયો એમઓયુ
પીએમશ્રી પ્રવાસન હવાઈ સેવાના સંચાલન માટે પ્રવાસન બોર્ડ અને જેટ એર સર્વિસ (ફ્લાયઓલા) સંસ્થા વચ્ચે એમઓયુ થયો. મુખ્યમંત્રી ડો.યાદવની હાજરીમાં પ્રવાસન બોર્ડના એડિશનલ મેનેજિંગ ડિરેક્ટર વિવેક શ્રોત્રિયા અને સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર એમ. રામ ઓલાએ આદાનપ્રદાન કર્યું. ઉપરાંત, મુખ્યમંત્રી ડો.યાદવે ઝાબુઆ, ખરગોન અને મંડલા એરસ્ટ્રીપ્સની કામગીરી માટે સ્વીકૃતિ પત્રો (એલ.ઓ.એ) પ્રદાન કર્યા હતા.
બે મહિનામાં થશે સરળ કામગીરી
પ્રવાસન અને સંસ્કૃતિના અગ્ર સચિવ અને મધ્ય પ્રદેશ પ્રવાસન બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શિવ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે, પીએમશ્રી પ્રવાસન હવાઈ સેવાના સરળ સંચાલન માટે ફ્લાયઓલા સંસ્થા સાથે કરાર કરવામાં આવ્યો છે. ઓપરેટર સંસ્થાએ કોન્ટ્રાક્ટ મુજબ બે મહિનાની અંદર ફ્લાઇટના રૂટની પસંદગી, ટિકિટ કાઉન્ટરની સ્થાપના, સ્થાનિક સ્ટાફની પસંદગી અને તાલીમ વગેરે કરવાની રહેશે. આ પછી, સેવાઓનું નિયમિત સંચાલન શરૂ કરવામાં આવશે. 8 સીટરવાળા 2 ટ્વિન એન્જિન એરક્રાફ્ટનું સંચાલન કરવામાં આવશે, જેમાં રાજ્યના મોટા એરપોર્ટ ઈન્દોર, જબલપુર, ગ્વાલિયર, ભોપાલ, ખજુરાહો તેમજ અન્ય નાના એરપોર્ટને પણ જોડવામાં આવશે.
પીએમશ્રી ધાર્મિક પ્રવાસન હેલી સેવા
પીએમશ્રી ધાર્મિક પ્રવાસન હેલી સેવા હેઠળ મધ્યપ્રદેશના આધ્યાત્મિક કેન્દ્રોમાં ભક્તોની પહોંચ સરળ બનશે. આ સેવાના માધ્યમથી શ્રદ્ધાળુઓ, ખાસ કરીને વૃદ્ધો અને અપંગો રાજ્યના બે જ્યોતિર્લિંગ ઉજ્જૈન અને ઓમકારેશ્વર તથા અન્ય ધાર્મિક સ્થળોએ સરળતાથી પહોંચી શકશે. યોજના હેઠળ એક ટ્વીન એન્જિન હેલિકોપ્ટર અને બે સિંગલ એન્જિન હેલિકોપ્ટર હશે. એક ટ્વીન એન્જિન હેલિકોપ્ટર ભોપાલમાં અને એક સિંગલ એન્જિન હેલિકોપ્ટર ઈન્દોર અને ઉજ્જૈનમાં હશે. બુકિંગ મધ્યપ્રદેશ ટુરિઝમના પોર્ટલ, મેક માય ટ્રીપ, અગોલા વગેરે દ્વારા ઓનલાઈન કરી શકાય છે.
